દામનગર નજીક ભૂરખીયા ચોકડી પાસે આવેલા નવા પુલ પર પડેલા જોખમી ખાડાઓ અંગે અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. એક જાગૃત નાગરિકે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખને ટેલિફોન દ્વારા રજૂઆત કરતાં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ પુલના ખાડાઓમાં ડામર અને કપચી નાખી કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે. જોકે સમારકામ સમતલ ન હોવાથી કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. તેમ છતાં વાહનચાલકોને હાલ માટે આંશિક રાહત મળી છે અને કાયમી સમારકામની માંગ ઉઠી રહી છે.