અમરેલી ખાતે ધ અમરેલી પોસ્ટલ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ૫૧મી સાધારણ સભા આર.કે. હોલ, કેરિયા રોડ પર ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં પોસ્ટલ વિભાગના મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ સોસાયટીના સભાસદો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સોસાયટીનો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સોસાયટીના વિકાસ, સભ્યોના હિત અને આગામી આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ સભ્યો દ્વારા વિવિધ સૂચનો પણ રજૂ કરાયા હતા. સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. જેમાં શિવરાજભાઈ ગીડા ચેરમેન, ધનજીભાઈ મકવાણા ઉપપ્રમુખ, હિતેશભાઈ ત્રિવેદી મંત્રી (સેક્રેટરી) અને ગૌરાંગભાઈ ચૌહાણ ટ્રેઝરર તરીકે સર્વાનુમતે વરણી પામ્યા હતા. અન્ય કારોબારી સભ્યોની પણ બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત સભાસદોનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લભાઈ ધંધુકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પરેશકુમાર એમ. મહેતાએ આ માહિતી આપી હતી.





































