બહુ શરૂઆતમાં ઠંડીની મોસમમાં જે ખુશનુમા વાતાવરણ હતું તે હવે ફરી પાછું આવશે. શિયાળાની મોસમમાં વહેલી સવારે ઊઠીને ખુલ્લા આકાશ તળે સ્વૈરવિહાર કરવાનો લ્હાવો લેવા જેવો હોય છે. જેઓ ચૂકી ગયા હોય તેમને માટે હજુ થોડા દિવસોનો શીતકાળ બાકી છે. વહેલી સવારે ગામના પાદરે કે શહેરની બહાર ક્ષિતિજ સુધી નજર નાખો તો એનો અનુભવ જુદો છે. ક્ષિતિજો દેખાતી હોય એવા વિસ્તારોમાં પરિભ્રમણ કરવું એ પણ એક લ્હાવો છે. સૂર્યના કિરણો પૂર્વના ઊંચા આકાશમાં ઉદયમાન થાય અને ક્ષિતિજને પેલે પાર ઊંડેથી સૂર્યનારાયણના પડઘા સંભળાય એ સમયે શય્યા અને ગૃહનો ત્યાગ કરવો જોઈએ. એ સમયે આંખને પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકતી નથી. નજર તો સલામત હોય છે. પરંતુ ધારે એવું કંઈ જોઈ શકતી નથી કારણ કે આકાશમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું હોય છે. ધુમ્મસ માણવા જેવું વાતાવરણ છે. ધુમ્મસ વહેલી સવારની થોડા સમય માટેની એક સ્વતંત્ર મોસમ છે. ધુમ્મસ નજીકમાં દેખાતું નથી પણ જે દૂર હોય એને નજીક દેખાવા દેતું નથી. ધુમ્મસ હોય છે તો આંખોમાં પરંતુ તેનું પ્રભુત્વ વાતાવરણ પર એવું છે કે રસ્તા પર આવનારો વળાંક એ આપણી આંખ સુધી પહોંચવા દેતું નથી. એટલે કે જે પથ પર આપણે પ્રવાસ કરીએ છીએ એનો હવે પછી જ વળાંક અને આપણી આંખ વચ્ચે ધુમ્મસ પડદો બની જાય છે. એટલે ધુમ્મસ જ આપણી અજ્ઞાનતા બની જાય છે. વહેલી સવારનું ધુમ્મસ તો સૂરજ ઉપર ચડે ત્યાં સુધી ટકે છે અને પછી વિખેરાઈ જાય છે. પરંતુ જિંદગીમાં ધુમ્મસ એમ ઝડપથી વિખરાતું નથી. આપણી જિંદગી પણ શિયાળાની વહેલી સવાર જેવી જ છે. આવતીકાલે થોડા કોઈ જોઈ શકે છે કે જિંદગીના હવે પછીના વળાંક કેવા છે ને ત્યાં કોઇ જાણે છે કે હવે પછી શું ? દરેક મનુષ્યની વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જિંદગીમાં એક ધુમ્મસ તો હોઈ શકે છે. ધુમ્મસ એટલે ભવિષ્ય વિશે અજ્ઞાનતા અને એ તો દરેક મનુષ્ય પર છવાયેલી છે. તો પણ કોઈ કુશળ વાહનચાલક ગાઢ ધુમ્મસમાં પણ અકસ્માત ન થાય તે રીતે પોતાની ગતિ શરૂ રાખે છે. એ જ રીતે આપણી જિંદગીને પણ આપણે ધુમ્મસ હોવા છતાં સતત પ્રગતિ માટે આગળ ધપાવવાનું કામ ચાલુ રાખવાનું છે. કારણ કે જિંદગીમાં આપણી તપશ્ચર્યા, પરિશ્રમ અને પુરુષાર્થનું તેજ જેમ જેમ વધતું જાય તેમ તેમ ધુમ્મસ વિખરાતું જાય છે. શીતકાલીન રાત્રિઓનું સૌન્દર્યવિધાન કેવું છે ? આપડી ગીર કાંઠાની નદીઓના વહેતા જળના અવાજ સાથે કાંઠાળ વૃક્ષરાજિમાંથી વહી આવતા સૂસવાટાઓ ભળે, કુદરતના ધ્વનિઓ હળેમળે ને જે સિમ્ફની રચાય એ જ અસલ ધ્યાન છે. શિયાળામાં ચડતી કળાનો ચન્દ્ર હોય ત્યારે ચકોર સિવાયના પંખીઓ પણ ચકોર બની જાય. ઠંડીથી બચવા ઘનઘોર ડાળી વચ્ચે પંખીઓ રાત પસાર કરે તો આભમાં ઊંચો ચન્દ્ર એને ન દેખાય. ચન્દ્ર અલપઝલપ દેખાય. શીતકાળમાં પંખીઓની ચન્દ્રપ્રીતિ વધે કારણ કે એને એવો ભ્રમ રહે કે અહીં પણ સૂર્ય જેવી ઉષ્ણતા મળશે. કારણ કે ચન્દ્ર અને સૂર્ય હોય છે તો એ જ એક આભના આસને. એ ભ્રમમાં જ પંખીઓની રાત પસાર થાય ને ત્યાં તો ખરેખર જ સૂરજ આવી પણ જાય. ભ્રમ જ એ પંખીઓને સત્ય સુધી પહોંચવાની વેળા આવે ત્યાં સુધી ટકાવી રાખે. અનેક કિસ્સાઓમાં કુદરત ભ્રમની જાળ પાથરતી જોવા મળે છે. કદાચ એ એવી આશાનો તંતુ હોય છે જેનું ફલિતવ્ય એ જ હોય છે જે જાતક કે જીવાત્મા ઈચ્છે છે. ગ્રીષ્મમાં કુદરત હરણ સામે અનંત જાળ પાથરે છે. એને લાગે છે કે આ જળ છે અને હોય છે ઝાંઝવા. જળ હોવાનો એવો આભાસ પથરાઈ જાય કે હરણના પગમાં તરસ પ્રવેશી જાય ને એ દોડવા લાગે. હમણાં જળ મળશે એમ માનીને હરણ આગળ ને આગળ દોડે… થાકે તો ફરી એ ઝાંઝવાના જળ એની આંખે પ્રવેશીને એને સાદ કરે… ને ફરી એ દોડે… ઝાંઝવા તો ઝાંઝવા જ હોય છે પરંતુ એમ દોડતા દોડતા આખરે હરણ ત્યાં સુધી પહોંચી જાય છે જ્યાં ખરેખર જળ છે. જો ઝાંઝવાએ હરણને દોડાવ્યું ન હોત તો હરણ ત્યાં જ હોત જ્યાં વધતી જતી તરસ આખરે મૃત્યુને લઈ આવવાની હતી. ઝાંઝવા જ ખરેખર તો હરણનું પરિચાલક અને સંજીવક પરિબળ છે. બહુ વિખ્યાત કથામાં તળાવ વચ્ચે આખી રાત ઠંડીમાં ઊભા રહેનાર નાગરિકને રાજા અકબરે ઈનામ આપવાની ના એટલે પાડી કે અકબરના એક મંત્રીએ કહ્યું કે જહાઁપનાહ એ માણસને આખી રાત મહેલનો દીવો તો દેખાતો હતો હતો અને એ દીવાની ગરમી એને મળી એટલે એને ઠંડી ન લાગી. એટલે અકબરે ઈનામ આપવાનો ઈન્કાર કરી દીધો. પછી બિરબલે એને ન્યાય અપાવીને ઈનામ અપાવ્યું એ જુદી વાત છે. પરંતુ હકીકત તો એ જ છે કે દૂર દેખાતા દીવાના તેજને કારણે જ પેલાના અંતઃકરણમાં ટકી રહેવાની તાકાત આવી હોય. એ દીવો ન હોત તો તળાવમાં એ શિયાળાની આખી રાત પસાર ન કરી શક્યો હોત. પંખીઓ ચન્દ્રને પણ સૂરજ ધારી લે છે ને એ ધારણામાં જ ખરી સવાર પડે છે. જિંદગીમાં અનેક વળાંક એવા આવે છે કે આપણે આગળની ધારણા કરવી પડે. એ ધારણા સાચી પડે ને ન પણ પડે. પણ એ ધારણા સિવાય તો વળાંક પાર ન કરી શકાય. હરણની મર્યાદાનો વિચાર કરીને કુદરતે ઝાંઝવાની જાળ બિછાવી છે. આપણે જેને આપણી ગણતરી, અનુમાન, આયોજન કે કલ્પના કહીએ તે પણ ક્યારેક ઝાંઝવા હોય છે. એ પણ ધુમ્મસનું જ એક રૂપ કહેવાય. જો એ ઝાંઝવા કુદરતી હોય તો જળ સુધી પહોંચી જવાય છે. પણ એ ઝાંઝવા માણસજાતે બનાવેલા હોય તો નક્કી નથી કે એ જળમાં પરિણત થશે કે નહિ. શિયાળાની રાત પસાર કરવામાં પંખીના શરીરને પોતાની જ પિચ્છસમૃદ્ધિ રજાઈ જેવી કામમાં આવે છે પણ એના જીવાત્માને કામમાં આવે છે આશા. થોડી રાત્રિઓ તો સાવ અંધારઘેરી હોય. પંખી ન હલે કે ન ચલે. જે જ્યાં છે ત્યાં સ્તબ્ધ થઈ જાય. જાણે કે ડૂબતા સૂરજે એમને ‘ઈસ્ટોપ’ ન કહ્યું હોય ! મનુષ્ય કુદરતી અને કૃત્રિમ એવા બે પ્રકારના ઝાંઝવામાં ફસાયેલો દેખાય છે. સૌને પોતપોતાના ઝાંઝવાની જંઝાળ વળગેલી છે તે એમાં કોણ કોને બહાર લાવે. આ સંયોગોમાં એવું જો કોઈ મળી જાય કે જેને પોતાને કોઈ જાળ, ઝંઝા કે ઝાંઝવા વળગેલા ન હોય તો એ આપણને ઉગારી શકે. એવો કોઈ સત્પુરષ કે સન્નારી આ જગતમાં જડવા સહેલા નથી. જ્યાં સુધી ખરા માર્ગનું દર્શન કરાવનાર ન મળે ત્યાં સુધી કોઈ તરસ, કોઈ તૃપ્તિ સુધી પહોંચતી નથી અને એ જ આ સંસારની સૌથી મોટી વિષમતા છે. સામાન્ય રીતે આ હવા, આ રાત અને આ ચાંદનીને આપણે વસંત અને ગ્રીષ્મમાં જ માણતા હોઈએ છીએ પણ જેમણે જાતે ‘ઘડ્‌ય’ અને ‘ધડ્‌ય’ ઉકેલવી હોય એમણે કુદરતના રૂપ સાથે વિરૂપને પણ આત્મસાત્ કરવા જોઈએ કારણ કે જેમ દરેક યુદ્ધના ઉકેલની માસ્ટર કી એની પ્રારંભિક અથડામણોમાં છુપાયેલી હોય છે તેમ જિંદગીના દરેકે દરેક પ્રકારના સંઘર્ષનો ઉકેલ કુદરતના વિરૂપમાંથી મળી શકે છે. નિઃશંક રીતે આ જુદી જ જગ્યાએ છુપાવેલો ખજાનો છે પણ પ્રયત્ન કરવા જેવો છે. હવાઓ જ્યારે હિમવર્તી બને છે ત્યારે એ પંખીઓના પિચ્છગુચ્છને ભેદીને ભીતર પ્રવેશવા લાગે છે. ત્યારે આશાનો એક અમથો તાર અભેદ્ય કિલ્લો બનીને હિમપ્રપાત શા સંયોગોને આડો હાથ દઈ રોકે છે….ને પછી રાત પસાર થઈ જાય છે. જિંદગી ક્યારેક અંધારી રાતનો વેશ ધારણ કરીને આવે ત્યારે સંસારના સર્વ દીપ બુઝાઈ ગયા હોય છે અને માત્ર ભીતરના અજવાળાં જ ત્યારે કામ આવે છે. આપડો મલક વનરાજિથી રાજી રહેનારો છે. ગુજરાતના કોઈ પણ જિલ્લા કરતાં આપડે પર્યાવરણની સભાનતા અધિક છે. વૃક્ષના વાવનારા ને ઉછેરનારા ઘેર ઘેર છે. આ શિયાળો વિદાય લે એ પહેલા વગડાઉ પ્રકૃતિની દોસ્તી કરી લેવા જેવી છે.