રાજકોટની સોની બજારમાં દિવાળી પહેલાં સોનાના તારની છરીની અણીએ લૂંટ થયાની ફરિયાદથી પોલીસ દોડતી થઈ હતી. જોકે, તપાસ આગળ વધતાં આ લૂંટ પાછળનું કથિત કાવતરું ફરિયાદીએ જ રચ્યું હોવાનું સામે આવ્યું છે. લૂંટનો ભોગ બન્યાનું જણાવનાર ૧૯ વર્ષીય કારીગર અને તેના ત્રણ મિત્રો વચ્ચે પૂર્વઆયોજિત ષડયંત્ર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોને ઝડપી પાડી રૂ.૩.૯૦ લાખની કિંમતનો સોનાનો તાર કબજે કર્યો છે, જ્યારે ફરિયાદીની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં માંડવી ચોક નજીક જૂઠા દોશીની શેરીમાં આવેલી બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર તાલુકાના હીંગોલા ગામના રહેવાસી સચીન મુલારામ મીણાએ ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે શેઠની દુકાનેથી આશરે રૂ.૪ લાખની કિંમતનો સોનાના તારનો જથ્થો લઈને એક્તિવા પર કોઠારીયા ચોક પાસે દુકાન ધરાવતા નિર્મલ પરમારને આપવા જઈ રહ્યો હતો.
આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા હિન્દીભાષી શખ્સે પગમાં ઈજા હોવાનું બહાનું બતાવી લિફ્ટ માગી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, થોડે આગળ જતાં આ શખ્સે છરી બતાવી સોનાનો તાર લૂંટી લીધો હતો અને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.લૂંટના બનાવની તપાસ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગુનામાં સામેલ શખ્સો રાજસ્થાન તરફના છે અને શંકાસ્પદ સોનાના તાર સાથે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા શખ્સોમાં શીવલાલ છોગારામ મેઘવાર, જે મૂળ રાજસ્થાનનો છે અને મજૂરી કામ કરે છે; શ્રવણ ચેલારામ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો છે અને હાલ મુંબઈમાં ઇમિટેશન જ્વેલરીનો વેપાર કરે છે; તેમજ રાજુરામ ભંવરલાલ કીર, જે પાલી મારવાડના માનપુરા ખાતે રહી ખેતીકામ કરે છે, તેમનો સમાવેશ થાય છે.
પોલીસની પૂછપરછમાં સમગ્ર બનાવ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ફરિયાદી સચીન મીણા પોતે જ કથિત લૂંટના કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા ત્રણેય શખ્સો અને ફરિયાદી એકબીજાના મિત્રો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર દરમિયાન પૈસાની જરૂરિયાત ઊભી થતાં સચીન અને શીવલાલે મળીને સોનાના તારની લૂંટનું નાટક રચવાનો પ્લાન બનાવ્યો હતો. આ આયોજનમાં શ્રવણ અને રાજુરામ પણ જાડાયા હતા. બંને ખાનગી વાહનમાં રાજકોટ આવ્યા હતા, જ્યારે શીવલાલે સોની બજાર વિસ્તારમાં રેકી કરી હતી.
યોજનાના ભાગરૂપે સચીન દુકાનમાંથી સોનાનો તાર લઈને નીકળે ત્યારબાદ રસ્તામાં લિફ્ટ માગવાના બહાને તેને રોકી છરી બતાવી લૂંટનો દેખાવ ઊભો કરવામાં આવ્યો હતો અને સોનાનો તાર લઈ ત્રણેય સાગરીતો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શરૂઆતમાં પોલીસને એક અજાણ્યા શખ્સ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. જોકે, ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ફરિયાદીની ભૂમિકા શંકાસ્પદ જણાતાં પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસમાં લાગી હતી. અંતે કથિત લૂંટના કાવતરાનો પર્દાફાશ થયો હતો. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સોનાનો તાર કબજે કર્યો છે.








































