જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા શ્રી અમરેલી જિલ્લા લેઉવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી. નિર્ણાયક પ્રફુલભાઈ ઠાકર, જોલીબેન કાલાવાડીયા, અરૂણાબેન માલાણી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી. પરમારે સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહોત્સવમાં અલગ અલગ વયજૂથની ૧૪ ટીમોના ૩૬૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા ૧૪ થી ૪૦ વર્ષના કલાકારોને પ્રોત્સાહન આપવા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરાય છે. અર્વાચીન અને પ્રાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષ તથા રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન મેળવનાર ટીમ રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે મનસુખભાઈ ધાનાણી, વસંતભાઈ પેથાણી અને વી.બી. પરમારે સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.





































