અમરેલીની વિદ્યાસભા સ્કૂલ ખાતે ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો હતો. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દેશની સરહદોની રક્ષા કરતા અમરેલી જિલ્લાના વીર જવાનોના પરિવારો તેમજ શહીદ પરિવારોનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, દેશના વીર જવાનો સુખ-ચેનનો ત્યાગ કરીને સરહદો પર ખડેપગે ફરજ બજાવે છે, જેના કારણે નાગરિકો નિર્ભય જીવન જીવી શકે છે. ઉનાળાની આકરી ગરમી હોય કે હાડ થીજાવતી ઠંડી, જવાનો તમામ કપરી પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે તૈનાત રહે છે. કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, વિદ્યાસભા સ્કૂલ કેમ્પસના ડિરેક્ટર વસંતભાઈ પેથાણી, સહિત મોટી સંખ્યામાં જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.








































