કુંકાવાવ-વડીયા તાલુકા કક્ષાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને નિકોલ-અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પંથકના અનેક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમ સ્થળે નાગરિકોને એક જ સ્થળેથી સરકારી સેવાઓ મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓને લગતી કામગીરી કરવામાં આવી હતી. નાગરિકોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેના કારણે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને જરૂરી સેવાઓ સરળતાથી મળી રહે તેવો હેતુ સાકાર થયો હતો.આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંગઠનો તેમજ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ‘સેવા સેતુ’ના માધ્યમથી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે અને વહીવટી પ્રક્રિયા સરળ બની રહી છે. છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ પહોંચે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી શરૂ થયેલો સેવા સેતુ કાર્યક્રમ છેવાડાના નાગરિકો સુધી સરકારી સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અમરેલી જિલ્લાના અતુલભાઈ કાનાણી, અભયસિંહ ચૌહાણ, અનિરુધ્ધભાઈ દવે, બગસરા પ્રાંત અધિકારી કુંભાણી, વડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







































