ગુજરાતના શૈક્ષણિક કેમ્પસોમાંથી થતી આપઘાતના કિસ્સાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. છેલ્લા આઠ જ દિવસમાં સુરત, રાજકોટ અને વડોદરામાં પાંચ આશાસ્પદ વિદ્યાર્થીઓએ ગળે ફાંસો ખાઈને અથવા ઊંચી ઈમારતો પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાઓ માત્ર આંકડા નથી, પરંતુ શિક્ષણ પ્રણાલી, વાલીઓની અપેક્ષાઓ અને સામાજિક તણાવની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.રાજકોટની મારવાડી યુનિવર્સિટી અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. ગત ૧૯મી સપ્ટેમ્બરે એક વિદ્યાર્થિનીએ ૧૦મા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, ત્યાં ૨૫મી સપ્ટેમ્બરે વધુ એક ત્રીજા વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી દીધી છે. એક જ કેમ્પસમાં ટૂંકા ગાળામાં બનેલી આ સતત બીજી ઘટના શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની ગઈ છે.
સુરતમાં ૧૮મી સપ્ટેમ્બરે બી.કોમ.ની પરીક્ષા આપીને ઘરે પરત ફરેલા એક વિદ્યાર્થીએ ૧૩મા માળેથી કૂદીને આપઘાત કરી લીધી હતી. ત્યારબાદ ૨૪મી સપ્ટેમ્બરે પી.જી. મેડિકલના બીજા વર્ષના વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું ભર્યું હતું. વડોદરામાં પણ ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. એક જ વર્ષમાં ૫૬૮ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, જે સરેરાશ દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીઓનો દર દર્શાવે છે. આપઘાત કરનારાઓમાં ૧૦૨૪થી વધુ દીકરીઓ સામેલ છે, જે અત્યંત ગંભીર બાબત છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ અને બેરોજગારીના કારણે ૧૫૯ યુવાનોએ મોત વહાલું કર્યું છે.તાજેતરમાં નીટ પરીક્ષાના પેપર લીક અને અનિયમિતતાથી હતાશ થઈને પણ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિÂસ્થતિને જાતા હવે માંગ ઊઠી છે કે શિક્ષણના વધતા ખર્ચાઓ અને ફી માળખાને નિયંત્રિત કરવા માટે સરકારે તાકીદે નીતિ ઘડવી જાઈએ. આ સાથે જ વિદ્યાર્થી આપઘાતના કારણોની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરાવીને એક કડક અને સમયબદ્ધ ‘એક્શન પ્લાન’ જાહેર કરવામાં આવે તે સમયની માંગ છે. જા અત્યારે યોગ્ય પગલાં નહીં લેવાય, તો ડિગ્રીઓ આપતા આ કેમ્પસો માસૂમોના શ્મશાન બની જશે.
રાજકોટમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લાના વતની ૨૦ વર્ષીય હેમંત સીતારામપ્રસાદ ગંધમે ૨૫મી સપ્ટેમ્બરે છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં છાત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ ગયા શનિવારે જ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ આંધ્રપ્રદેશની છાત્રાએ દસમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા છ દિવસમાં આત્મહત્યાની આ બીજી ઘટના બનતા તેના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કરતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેના અંતે છ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.









































