“નકલી.. નકલી.. નકલી. આજકાલ હંધૂય નકલી નકલી મળે છે. અસલી ગોત્યું ‘ય જડતું નથી. અને વધારે અસલી ગોતવા જાવ તો, વધારે નકલી ભટકાઈ જવાની શક્યતા વધી જાય છે.
બેરાલાલ! આ તમારાં કાનનું મશીન વારે વારે બંધ થઈ જાય છે, તો ઈ તો અસલી છે ને!?”
બનેવીલાલે બેરાલાલનો કાન પકડીને પુછ્યું.
“બનેવીલાલ! આ મશીન તો શું, આજકાલ હું આખે આખો નકલી હોઉં એવો મને ભાસ થાય છે. ”
“બેરાલાલ! એવું તમને કેમ લાગે છે? ભગવાને કરોડો કરોડો માનવ બનાવ્યાં, પણ તમને એક સરખાં, ઝેરોક્ષ કોપી જેવાં માણસો લગભગ નહીં જ મળે. તો પછી, તમે નકલી હોય એવું કેમ લાગે છે?
શું તમારી ઉપર કોઈએ જાદું ટોના કર્યું છે? તમે કોઈના પડછાયામાં આવી ગયાં છો?”
“હવે તો મારો જ પડછાયો મને નકલી લાગે છે. અને આ ઉંમરે હવે હું કોનાં પડછાયામાં આવીશ? અઢાર વરસની ઉંમરે હું પપુડાની માનાં પડછાયામાં આવી ગયો હતો. હવે હંધાય પડછાયા ફિક્કા લાગે છે,નકલી લાગે છે.
છતાંય આ નકલી શબ્દે તમારાં મગજ ઉપર કબજો કરી લીધો છે. આનું કારણ શું?
હવાર હવારમાં ચા પીતાં પીતાં છાપું ઉઘાડો તરત દૂધ નકલી હોવાની વાસ આવે. ખાંડ વિદેશી હોવાની દુર્ગંધ આવે. પાણી ડહોળું અને કેમિકલ વાળું હોય એવું લાગે.
તમે બજારમાં જાવ અને શુધ્ધતા માટે હારી કંપનીનું પડીકું લો. તો એમાં ‘ય ઉંદર નીકળે, વંદો નીકળે,કાનખજુરો ‘ય નીકળે. અને ક્યારેક ક્યારેક તો આ હંધૂય નકલી જ નીકળે.”
“હા પણ, તમારે ખરાબ કેમિકલ વાળાં /કલર વાળાં પડીકાં શા માટે ખાવાં જોઈએ? ગામડામાં ખેતરનું ઓછું મળે છે!?”
“અ..રે.. ભાઈ! ઈ તો મોટી મોંકાણ છે. તમે લારી કે છકડો રિક્ષામાંથી તાજુ શાકભાજી ખરીદો, ઈય નકલી. હાંજે ઈંચનુ હોય તો હવારે વેંતનુ થઈ જાય.
દવા, દવા, દવા. આ હંધૂય અમારી નજર હામે જ થાય. કાકડીને તમે બટકું કેમ કરીને ભરો!?
છતાંય મારે ને તમારે ઈ જ ખાવું પડશે. એનાં વગર છૂટકો જ નથી. સરકારને કાંઈ પડી નથી. આ હંધૂય હવે તો ધકેલ પંચા દોઢસો જેમ હાલે છે. નવી નવી મેડિકલ કોલેજ ખુલે છે. નવાં નવાં ડોક્ટરો બહાર પડે છે. એમનો ધંધોય હાલવો તો જોઈએ ને!!
બનેવીલાલ એનો ય વાંધો નથી. પૈસા ખરસીને આપણે દવાય કરીએ. ડોક્ટરોના ઘરે ‘ય ભરીએ. પણ, આજકાલ દવાય નકલી આવે છે. કારણ કે નકલીમાં કમાણી વધારે હોય છે. હા, છાપાં વાળા અને ટી.વી. વાળાઓ રાડો પાડી પાડીને કહે છે. પણ આપણી જેવાંને કેમ ખબર પડે? કે કંઈ અસલી છે? અને કંઈ નકલી છે? આપણાં માટે તો ડોક્ટર જ ભગવાન!! (હા ઈ વાત હાસી છે કે, આજકાલ આ બીજાં નંબરનો ભગવાન નીચે ઉતરીને ખૂખ સસ્તો થઈ ગયો છે.) છતાંય હંધૂય ધકેલ પંચા દોઢસો હાલે છે.”
“અરે પણ અસલી ‘ય મળે છે, અસલી ખાવું (પીવું) જોઈએ ને!! થોડાં ‘ક પૈસા વધારે થાય એટલું જ ને!!”
“બનેવીલાલ! તમે અસલીની તો વાત નો કરતાં. જોયું નહીં તમે ભાવનગરમાં!? દેશી પીતાં હતાં તો વાંધો નહોંતો. બોવ બોવ તો બબ્બે ‘દિ પડ્યાં રહેતાં હતાં. આ અસલીને રવાડે ચડીને ગાંઠયનાં ગ્યા.
કોને ખબર હતી કે, આ અસલીમાં નકલી ભરેલો છે.
બસ! બોટલ મળી એટલે ભયો ભયો!! કેટ- કેટલાં ‘ય છોકરાઓ મા -બાપ વગરનાં થઈ ગયાં. નથી લાગતું કે, હા હંધૂય ધકેલ પંચા દોઢસો જ હાલે છે.”
“અરે..બેરાલાલ! બોટલ શા માટે પીવી જોઈએ? દૂધ પીવો દૂધ.”
“ભાઈ.! અમારે તો દૂધ જ પીવું છે. પણ, આ આપણાં જામનગરનાં હરિપર જેવાં ગામડાઓમાં એક પણ ગાય, ભેંશ, બકરી રાખ્યાં વગર હજારો લીટર દૂધ રોજે રોજ વેચાય છે/ડેરીમાં ભરાય છે. ખાંભા બાજુનાં ગામડાઓ પણ ગાજ્યા જાય એવાં નથી. આખાં ગામમાં ગણ્યાં ગાંઠ્યા જ ઢોર જોવાં મળે. છતાંય રોજે રોજ આખાં ના આખાં ટેન્કર ભરીને મોટી ડેરીમાં ઠલવાય છે.” “ઈ તમારી વાત કદાચ હાસી ‘ય હશે. પણ, ક્યારેક ક્યારેક તો આવાં ટેન્કરો પકડાય છે ને!?”
“હા , પકડાય છે. હપ્તામાં વાંધો પડે, કાં તો નિર્લિપ્ત રાય જેવાં અધિકારી આવી ચડે. ત્યારે પકડાય પણ છે. પણ..પણ.. ત્યાં સુધીમાં તો મોટી ડેરીમાં કેટલાં ‘યે ટેન્કરો ઠલવાઈ ગયાં હોય છે. માટે નક્કી જ નથી થાતું કે દૂધ પીવું કે દારૂ!?” “તો પછી મને તો હવે એક જ રસ્તો દેખાય છે. આપણાં બાપ -દાદાઓ ઘરનાં ઘરે જ ગાય ભેંશ રાખતાં હતાં. ઈ ચાલું કરી દો. નકલીની માથાકૂટ જ નહીં.”
“અમારે તો ઈય કરવું છે. પણ, ગામડામાં હાલતાં લાઈટ કાપ આવે. લાઈટનો હોય ત્યારે દૂધ વગરનાં રહીએ.”
“બેરાલાલ! મને ઈ નો હમજાણું. લાઈટ અને ભેંશ/દૂધને હું લાગે વળગે!?”
“તમે ઉપરનો ફોટો જોયો? ”
“ભેંશ અને એની માલિકણનો ફોટો છે. એમાં વળી શું જોવાનું?”
“તં..ઈ ન્યા જ ધ્યાનથી જોવાનું છે. આ ભેંશ (આજકાલનાં છોકરાઓ કેમ મોબાઈલ જોયા વિના ખાતાં નથી) એમ આ ભેંશ ટી.વી. જોયાં વિના દૂધ આપતી નથી. હવે તમે જ વિચારો.. લાઈટ નો હોય.. તો અમે દૂધ વગરનાં જ રહીએ ને!??”










































