અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોની શૃંખલા અંતર્ગત વડીયા તાલુકાના દેવળકી ગામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. ૬૪ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દેવળકીમાં આંગણવાડી, સ્નાનઘાટ, સુરક્ષા દિવાલ, સીસી રોડ, બ્લોક રોડ અને કોઝવે સહિતના વિકાસકાર્યો હાથ ધરાશે. કાર્યો પૂર્ણ થતાં ગ્રામજનોને જરૂરી માળખાકીય સુવિધાઓ વધુ સુલભ બનશે. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી હતી. ઉનાળા દરમિયાન હાથ ધરાયેલા જળસંચયના કાર્યો અંતર્ગત ગામમાંથી પસાર થતી નદીના તળાવને ઊંડું કરવામાં આવ્યું હતું. તાજેતરના વરસાદથી તળાવમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોએ મંત્રીની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાં કર્યા હતા. શિવાલય ખાતે ગ્રામજનો દ્વારા દરરોજ આશરે ૧૫ કિલો લોટમાંથી રોટલા બનાવી શ્વાનને ખવડાવવાની જીવદયા સેવાની પણ મંત્રીએ સરાહના કરી હતી.










































