બાબરા-અમરેલી સ્ટેટ હાઇવે પર લાંબા સમયથી પડેલા ખાડાઓને લઈને બાબરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર પ્રમુખ મિહિર તેરૈયાની આગેવાની હેઠળ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ નાના બસ સ્ટેન્ડથી સરદાર સર્કલ સુધી રસ્તા પર પડેલા ખાડાઓ પાવડા અને ટાસ વડે બુર્યા હતા. લાઠી વિધાનસભા ઇન્ચાર્જ જે.ડી. કથીરિયા, પ્રદેશ લીગલ સેલના ઉપપ્રમુખ કૌશિકભાઈ ભરાડ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓએ જાતે જ ખાડાઓમાં મટીરિયલ નાખી રસ્તો સમતલ કર્યો હતો. મિહિર તેરૈયાએ આક્ષેપ કર્યો હતો કે, રસ્તાની સમસ્યા અંગે નગરપાલિકા અને નેશનલ રોડ ઓથોરિટી એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.






































