લીલીયા તાલુકાના સલડી ગામે ૨૮ વર્ષીય યુવતીના રહસ્યમય સંજોગોમાં મોતની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવતીનું મોત ગળેફાંસો ખાઈને થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સમયે યુવતીના પતિ મજૂરી કામ અર્થે નજીકના અકાળા ગામે ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે તેમનો સાત વર્ષીય પુત્ર અભ્યાસ માટે બહાર ગયો હતો. જે ઘેર આવતા બનાવની જાણ થતાં પરિવારજનો અને પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા લીલીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા પરિવારજનો તથા સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









































