‘મોંઘવારી.., મોંઘવારી.., મોંઘવારી. આ મોંઘવારીએ તો માજા મૂકી છે. દિ એ નો વધે એટલી રાતે વધે છે. અને રાતે વધે ઈ હવારે હુહવાટા બોલાવી દે છે.’’ બનેવીલાલે પોતાની હૈયાવરાળ ઠાલવી. બેરાલાલના કાનનાં મશીનમાં આજે ખામી આવી ગઈ હતી. પણ, બેરાલાલનું મોઢું છકડો રીક્ષા માફક ભક..ભક..ભક ભક, ચાલું જ રહે. ‘‘તે..એ.., મોંઘીને કોઈક હારે પરણાવી દો. ગામમાં ઘણાં’ય વાંઢા એમને એમ જ રખડે છે. બચાડાનુ ઘર બંધાય જાહે. અને મોંઘી વધતી બંધ થઈ જાહે.’’ ‘‘બેરાલાલ..! તમે પે’લાં કાનનું મશીન રીપેર કરાવો. ’’બનેવીલાલે ઠપકો આપ્યો. ‘‘કેમ..!? મોંઘીને લગન નથી કરવાં? હવે તો મોભે આંબે એવડી થઈ છે, ઊભાં ઊભાં ઊંટને આંકડો આપે એવડી તો છે. કોણ જાણે કે’દિ એનાં બાપને પરણાવવી હશે.’’ ‘‘બેરાલાલ! તમે વાત પુરી હાંભળો. આ મોંધીની વાત નથી. મોંઘવારી.., મોંઘવારીની વાત છે. ભાવ વધે એની વાત છે.’’ ‘‘તં..ઈ.. ઈમ કોને. ભલા માણહ, હું તો હમજયો..!!’’ તમે જે હમજયા ઈ , પણ હવે તમારી લલુડી બંધ રાખશો? વાત પુરી હાંભળો. મોઢાંનાં બારણાં બંધ કરી અલીગઢી તાળું ઠપકારી દો.
પહેલાંનો સમય કેવો હતો? ૧૯૫૩ મા સોનાનો ભાવ દસ ગ્રામના રૂપિયા ૭૩ હતાં. અને આજે? સોનુ હળગી ગયું છે. દસ ગ્રામના રૂપિયા દોઢ લાખ છે. આ મોંઘવારીની ટકાવારી કેલ્ક્યુલેટરે’ય કાઢી હકતું નથી. એમાં’ય મોંઘવારીનો હમણાંનો જ એક સર્વે થયો છે.’’ ‘‘ કયું રાજ્ય સૌથી મોંઘું છે? ’’ ‘‘ગુજરાતનો ડંકો દરેક જગ્યાએ વાગે છે. તો આમાં’ય ઈ પાછળ રહે ? રહેવા માટે સૌથી મોંઘું ગુજરાત છે. જેમાં રહેવાં માટે મહિનામાં જોઈએ રૂપિયા ૪૬૦૦૦/- અને સૌથી સસ્તું છે, કેરળ. મહિનામાં જોઈએ રૂપિયા ૨૩૦૦૦/- હવે તમે જ કહો ઘરમાં કમાનાર હોય એક. અને ખાનાર હોય હાત. માણહ પુરું કરે કેમ!? ’’ ‘‘તોય બનેવીલાલ! ગુજરાતનો નરબંકો રાત ‘દિ એક કરીને હૌનુ પેટ ભરે છે ,ને. અને તમે આ બકાને જ જોઈ લો. બચાડો ઘાણીના બળદની જેમ કામ કરે છે. પણ, વધે છે હું!??’’ ‘‘બેરાલાલ! તમે બકાની વાત કરી છે, તો તમને કહું કે, બકાની આદત ખોટી છે. માણસે હંમેશા પછેડી જેવડી જ હોડ તાણવી જોઈએ. જો એમ નો કરો તો.. કાં માથું ઊઘાડું રહે કાં પગ !!’’ ‘‘પણ આપણો બકો તો..ભાવ જોઈને ખરીદી કરે છે. મોલ અથવા ઓનલાઈન ખરીદી કરે છે. પછી છેતરામણી ક્યાં આવી? છેતરાવાનું ક્યાં આવ્યું??’’
‘‘બેરાલાલ! માત્ર બકો જ નહીં, આપણે સૌ જાણે અજાણે છેતરાઈએ છીએ. ખોટાં ખર્ચનાં ખાડામાં ઉતરીએ છીએ.’’ ‘‘એટલે તમે હંધાયને બકાની જેમ ગણો છો!?’’ ‘‘હાં, લગભગ હંધાયને!! બકાને માથે દેણું કેમ થયું? તમે મોલમાં એક કે બે વસ્તુ લેવાં જાવ છો. અને લાવો છો કેટલી? દસ. આઠ વસ્તુ નકામી નથી. પણ, હમણાં કામની નથી. પણ, ખર્ચ કર્યો અત્યારે. આમ ઓનલાઈન જે વસ્તુ વગર અત્યારે હાલે એમ છે. પણ ઓનલાઈન ગમી!? એટલે ઓર્ડર કર્યો.
આમ જાણે અજાણે આપણે સૌ ખોટાં ખર્ચાના ખાડામાં ઉતરીએ છીએ.’’
ક્યાંરના વાત હાંભળી રહેલાં અભણ અમથાલાલની ટ્યુબ લાઈટ ઝબકી.
‘‘બનેવીલાલ! આ ઓનલાઈનની વાત નીકળી જ છે, તો મેં એક વાત વાંચી તી. મતલબ! હાંભળી તી.
જાપાનમાં એક ૩૨ વર્ષની સ્ત્રી છે. જેનું નામ છે,યોશિદા. એકલી વાંઢી સ્ત્રી, કરે તો કરે હું? દિવસ જાય તો રાત નો જાય. અને રાત કાઢે તો’દિ કાઢવો આકરો લાગે. આવાં સમયમાં ઘણાં’ય કૂતરાં પાળે, ઘણાં’ય બિલાડા પાળે. છતાં’ય કંટાળો એમને વેલાંની માફક ઘેરી લે. અને પછી.. એ ઘેનનાં ટીકડાં પીએ. પણ, આ યોશિદાએ નવો રસ્તો અપનાવ્યો.’’
‘‘નવો રસ્તો? ઈ વળી કેવો રસ્તો??’’
‘‘નવરો માણસ હું કરે?’’
‘‘નવરો નખ્ખોદ વાળે. બીજું કરે’ય હું!?’’
‘‘આ યોશિદા આપડાં રવાડે ચડી.’’
‘‘આપણાં રવાડે? ઈ વળી કેમ??’’
‘‘આપણે મોટાં ભાગનાં નવરાં પડ્યાં કે શું કરીએ છીએ?’’
‘‘મોબાઈલ મચડીએ છીએ.’’
‘‘બસ!! આવું જ પેલી વાંઢી યોશિદાએ કર્યું.’’
‘‘પણ, આમાં ઓનલાઈન ક્યાં આવ્યું?’’
‘‘હવે આવશે.. થોડી ધીરજ રાખો. ધીરજનાં ફળ મીઠાં હોય છે. પણ, વધારે ધીરજ રાખો તો બગડી ‘ય જતાં હોય છે. આવું જ યોશિદાએ કર્યું. મોબાઈલ જોતાં જોતાં’ય કંટાળો આવતો. એટલે ચડી ઓનલાઈન ખરીદીના રવાડે. શરુઆતમાં મજા આવી. પણ, પછી એમાં’ય થોડી ખરીદીમા કંટાળો આવે. હવે એમને ખરીદીનું વ્યસન થઈ ગયું. ખરીદી નો કરે તો ખાવું નો ભાવે, ઊંઘ નો આવે. એમને ખરીદી કરવાનાં એકલાં એકલાં ગલગલિયાં થાય.
પણ, ખરો ખેલ હવે જ શરૂ થયો. રોજ રોજ ખરીદી કરે તો રૂપિયા ક્યાંથી કાઢવાં? એટલે એમણે નવો ખેલ શરૂ કર્યો.
પહેલાં ઓર્ડર કરે, પછી ઓર્ડર કેન્સલ કરે.
આમ આ ૩૨ વર્ષની વાંઢીએ બે વર્ષમાં બે હજાર નવાં ઓર્ડર કર્યા. રૂપિયા ૨૫૮ કરોડની ખરીદી કરી. પાછી ઈ હંધીય ખરીદી કેન્સલ પણ કરી દીધી.’’
‘‘અરે પણ
આભાર – નિહારીકા રવિયા કંપનીઓ શું ગાંડી હતી? આ વાંઢીને ઓળખી ના શકી? ’’
‘‘આ સાતિર મગજની બાઈએ ૨૩૮ અલગ અલગ એકાઉન્ટમાંથી ખરીદીનાં ઓર્ડર કર્યા હતાં.’’ હવે બનેવીલાલ બોલ્યાં. ‘‘હમજણ પડી..ઈ..ઈ..!? મોબાઈલ જૂઓ ભલે, પણ વ્યસન નો થાવું જોઈએ..!! નહીંતર યોશિદા તમારાં ઘરનો ડોરબેલ વગાડે જ છે. (સાવધાન)
kalubhaibhad123@gmail.com











































