ગુજકોમાસોલની ૬૫મી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગરમાં યોજાઈ હતી. બેઠકમાં ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
એજીએમ દરમિયાન ખેડૂતો, કર્મચારીઓ અને સંસ્થાના વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતોને ૨૦ ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય અને કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવાનો નિર્ણય મુખ્ય રહ્યો હતો.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજકોમાસોલે અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૧૧,૪૭૯ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. સંસ્થાની કામગીરીમાં થયેલા વધારા વચ્ચે આ ટર્નઓવરને મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન સંસ્થાએ રૂ. ૧૫૨.૬૩ કરોડનો ગ્રોસ પ્રોફિટ નોંધાવ્યો હતો. જ્યારે કરવેરા બાદ સંસ્થાનો ચોખ્ખો નફો રૂ. ૬૦ કરોડ રહ્યો હતો.
સંસ્થાના રિઝર્વ અને અન્ય ફંડમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ દરમિયાન રિઝર્વ અને અન્ય ફંડમાં રૂ. ૬૧.૮૮ કરોડનો વધારો થયો છે. પરિણામે સંસ્થાનું રિઝર્વ ફંડ વધીને અંદાજે રૂ. ૨૧૬ કરોડ થયું છે.ખાતર વિતરણ ક્ષેત્રે પણ ગુજકોમાસોલ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા ૧૭.૫૯ લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી ખેડૂતો સુધી સમયસર ખાતર પહોંચાડવામાં સહાય મળી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીમાં પણ ગુજકોમાસોલે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી રૂ. ૮,૬૮૦ કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હોવાનું એજીએમમાં જણાવાયું હતું. આ ઉપરાંત બિયારણ વિભાગ દ્વારા ખેડૂતોને રૂ. ૧૧૪.૭૯ કરોડના શુદ્ધ સર્ટિફાઇડ બિયારણ પૂરા પાડવામાં આવ્યા છે.
ખેતીમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજકોમાસોલ દ્વારા ડ્રોન ટેક્નોલોજી અંગે રાજ્યવ્યાપી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ એકર વિસ્તારમાં ડ્રોન દ્વારા પાક પર છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધે તે માટે આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરીને વેગ આપવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એજીએમમાં ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં ૨૦ ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય રહ્યો હતો. આ નિર્ણયથી સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતોને સીધો લાભ મળવાની શક્યતા છે. ખેડૂતોના હિત સાથે જોડાયેલા અન્ય નિર્ણયો સાથે ડિવિડન્ડની જાહેરાતને છય્સ્ની મુખ્ય બાબતોમાં સ્થાન મળ્યું હતું.ગુજરાત પ્રવાસ
ખેડૂતોના ઉત્પાદનોને વધુ મોટા બજાર સુધી પહોંચાડવા માટે એજીએમમાં ‘ગુજકો’ નામથી નવી બ્રાન્ડ લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રાન્ડના માધ્યમથી ખેડૂતોના ઉત્પાદનોને દેશના વિવિધ બજારો ઉપરાંત ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે વધુ વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.
ગુજકોમાસોલ દ્વારા સંચાલિત ગુજકો મોલના વિસ્તરણની યોજના અંગે પણ છય્સ્માં ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિતના શહેરોમાં કુલ ૭ ગુજકો મોલ કાર્યરત હોવાનું જણાવાયું છે. આગામી સમયમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ ગુજકો મોલનો વ્યાપ વધારવાની યોજના છે. આ માધ્યમથી ખેડૂતોના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
એજીએમમાં કર્મચારીઓના હિતમાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજકોમાસોલના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી સંસ્થાના કર્મચારીઓને વધુ બે વર્ષ સુધી સેવા આપવાની તક મળશે અને કર્મચારીઓ માટે તેને મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહી છે.
ગુજકોમાસોલની ૬૫મી છય્સ્માં ખેડૂતોના હિત, કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ, કૃષિ પેદાશોની ખરીદી, ખાતર-બિયારણ વિતરણ અને સંસ્થાના વિસ્તરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ૨૦ ટકા ડિવિડન્ડ, ‘ગુજકો’ બ્રાન્ડ, ગુજકો મોલના વિસ્તરણ અને કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો જેવા નિર્ણયો આગામી સમયમાં સંસ્થા સાથે જાડાયેલા ખેડૂતો અને કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે.










































