મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકામાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં અમેરિકી કંપનીઓએ ગિફ્ટ સિટીમાં રોકાણ, બેંકિંગ અને ઈન્શ્યોરન્સમાં પાર્ટનર કંપનીઓએ રસ દાખવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા પ્રવાસના છઠ્ઠા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ સાથે મુલાકાતો કરી હતી. આ બેઠકોમાં ટિલમેન હોલ્ડિંગ્સ અને જે. પી. મોર્ગનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતમાં ડેટા સેન્ટર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગિફ્ટ સિટીમાં નાણાકીય રોકાણોને વધુ વેગ આપવા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાતમાં ડેટા સેન્ટરના રોકાણોને વધુ વેગ આપવા અંગે વિસ્તૃત પરામર્શ થયો હતો. આ ઉપરાંત, બંને મહાનુભાવો વચ્ચે ધોલેરાને આગામી પેઢીની ડિજિટલ માળખાકીય સુવિધા માટે એક અગ્રણી વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટેના સંયુક્ત માર્ગો અને શક્યતાઑ શોધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.