દામનગર પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની બદનક્ષી કરવાના ઈરાદે વીડિયો વાયરલ કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ અંગે યુવતીએ સરંભડા ગામના પિયુષભાઇ ભરતભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ‘msrathod2506′ નામથી એક ફેક (બોગસ) આઈડી બનાવી હતી. પોતાનું નામ ‘ભૂરી’ હોવાની ખોટી ઓળખ આપીને આરોપીએ યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ, આરોપીએ પોતાના મોબાઈલ નંબર પરથી યુવતીને વોટ્સએપ વીડિયો કોલ કરીને તેને વિશ્વાસમાં લીધી હતી. પ્રેમમાં અંધ થયેલી યુવતીએ લાઈવ વીડિયો કોલ દરમિયાન પોતાના ખાનગી અંગો દર્શાવ્યા હતા, જેનું આરોપીએ સ્ક્રીન રેર્કોડિંગ કરી લીધું હતું.ત્યારબાદ, યુવતીની સમાજમાં બદનક્ષી કરવાના ઈરાદાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોગસ આઈડી અને મોબાઈલ નંબરના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.જી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































