રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ સરકારી અને અનુદાનિત કોલેજોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને વિકસિત ભારત જેવા વિષયો પર આકર્ષક ચિત્રો દોરી પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરી હતી. બગસરા, બાબરા, લીલીયા, વડિયા, સાવરકુંડલા તેમજ અમરેલીની વિવિધ કોલેજોમાં ઉત્સાહભેર સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાધ્યાપકો અને આયોજકોએ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. કેટલીક કોલેજોમાં વિજેતા વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પર્વ પૂર્વે યોજાયેલી આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને કલાત્મક અભિવ્યક્તિ પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બનાવ્યો હતો.








































