કારગિલ વિજય દિવસના પાવન અવસરે સાવરકુંડલાના શહીદ સ્મારક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં ‘શહીદ વંદના’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય મહેશ કસવાલાએ સૈનિકોના અદમ્ય શૌર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, વીર જવાનોના સમર્પણના કારણે જ આપણો દેશ સુરક્ષિત છે. તેમણે ૧૯૯૯ના કારગિલ યુધ્ધમાં ‘ઓપરેશન વિજય’ થકી દુશ્મનોને પરાસ્ત કરનાર સેનાના પરાક્રમ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના દૃઢ રાજકીય નેતૃત્વને યાદ કર્યા હતા.આ રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુધ્ધસિંહ રાઠોડ, યુવા મોરચાના શિવાંગ ત્રિવેદી અને કિશન ત્રિવેદી સહિતના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































