ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મદદનીશ પોલીસ કમિશનર “કે” ડિવિઝનની ટીમે દેશભરમાં નોંધાયેલા અનેક સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલા એક બેંક ખાતાધારકની ધરપકડ કરી છે.પકડાયેલ આરોપી હરેન કમલેશભાઈ વાડોદરા (ઉંમર ૨૧ વર્ષ) હાલ નારોલ વિસ્તારના સ્વામીનારાયણ પાર્ક-૨ ખાતે રહે છે અને મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામનો વતની છે.
પોલીસને મળેલી બાતમી, ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર વિશ્લેષણના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા ૧૧ સાયબર ઠગાઈના કેસોમાં સંડોવાયેલો છે.પ્રાથમિક તપાસ મુજબ અંદાજે ૩.૦૦ કરોડથી વધુની ઓનલાઈન ઠગાઈ સાથે જાડાયેલા નાણાકીય વ્યવહારોમાંથી ૧૪.૨૦ લાખ આરોપીના બેંક ખાતામાં પ્રથમ સ્તરે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીનું બેંક ખાતું સાયબર ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨(૨), ૩૧૭(૪), ૩૧૭(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યો તેમજ આર્થિક વ્યવહારોની કડીઓ શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેર પોલીસનું કહેવું છે કે સાયબર ગુનાઓ સામે આવી પ્રકારની વિશેષ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને સાયબર ઠગાઈના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.







































