શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ચોમાસાની સ્થિતિના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પાણી અને વાહકજન્ય રોગચાળો અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા જાળવવા, ક્લોરિનની ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાઓની તપાસ તેમજ મોબાઇલ મેડિકલ ટીમો દ્વારા સ્થળ પર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
૨૪ જુલાઈએ શહેરના તમામ સાત ઝોનમાં ૧,૭૬૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારના નવ વાગ્યા સુધીમાં વધુ ૧,૦૮૩ ટેસ્ટ હાથ ધરાયા હતા. ઉપરાંત વિવિધ વિસ્તારોમાંથી ૩૦૩ પાણીના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે, તેમાં દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૬૭ અને પશ્ચિમ ઝોનમાંથી પ૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.
રોગચાળો રોકવા માટે ૨૪ જુલાઈએ ૧,૦૮,૬૫૪ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૩,૦૮૦ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૭,૩૧૩ ગોળીઓનું સૌથી વધુ વિતરણ થયું હતું. આજે સવારના નવ વાગ્યા સુધીમાં વધુ ૧૨,૫૫૨ ગોળીઓ આપવામાં આવતાં બે દિવસમાં કુલ ૧.૨૧ લાખથી વધુ ક્લોરિન ગોળીઓ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ મોબાઇલ વાન અને આરોગ્ય ટીમો તહેનાત કરીને વિનામૂલ્યે આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એએમસીએ નાગરિકોને ઉકાળેલું અથવા ક્લોરિનયુક્ત શુદ્ધ પાણી પીવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.