અમરેલીની લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના ઉપક્રમે ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ, ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ, સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખના આર્થિક સહયોગથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનો ૧૦૦મો કેમ્પ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયાએ સ્વાગત કર્યું હતું તેમજ નેત્ર સેવા અંગેની માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેમ્પની સેવાયાત્રા અને સમાજને થયેલા લાભોની માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૧૫,૩૧૯ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી છે, જ્યારે ૪,૦૩૨ દર્દીઓના નેત્રમણિ આરોપણ અને ૨,૨૧૦ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે કેમ્પને આર્થિક સહયોગ આપનાર રમાબેન અનિલભાઈ પારેખ, ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ સહિત ટ્રસ્ટીઓ અને સેવાકાર્યમાં યોગદાન આપનાર આગેવાનોનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સુદર્શન નેત્રાલયના તબીબો અને લાયન્સ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.