ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, વાવ, થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજધાની વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર કેર બનીને તૂટી પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯૪.૬ મીમી (આશરે ૧૧.૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના રેકોર્ડ અનુસાર, જુલાઈ મહિનામાં એક જ દિવસમાં પડેલો આ વરસાદ વર્ષ ૧૯૨૭ પછીનો સૌથી વધુ વરસાદ ગણાઈ રહ્યો છે.
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. અમદાવાદ, વાવ, થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને ગાંધીનગરમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્્યતા દર્શાવવામાં આવી છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
હવામાનમાં આવેલા આ મોટા ફેરફારને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની અને દરિયો અત્યંત તોફાની બનવાની શક્યતા છે. સુરક્ષાના પગલે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ મુખ્ય બંદરો પર એલસી-૩ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર એકસાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ છે. જેમાં મુખ્યત્વે રાજસ્થાન પર સર્જાયેલું મજબૂત લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તમામ પરિબળો ભેગા થવાને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વ્યાપક અને મુસળધાર વરસાદની પૂરી શક્્યતા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતની રાહત અને બચાવ ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
બિનજરૂરી મુસાફરી ટાળવી અને સુરક્ષિત સ્થળે રહેવું. નીચાણવાળા કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપાલન કરવું.
બાવળામાં ભારે વરસાદના પગલે સ્થિતિ ખૂબ ખરાબ બની છે. ગેલોપ્સ પાર્ક પાસે ૯૦૦ લોકો ફસાયા હતા જેને તાત્કાલિક ધોરણે પોલીસ અને જીડ્ઢઇહ્લ ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બાવળાથી સરખેજ હાઈવે પર કેડસમા પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. સેના દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસડીએમ ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.