દડવા (રાંદલ) ગામના એક પુરુષને રસ્તામાં લિફ્ટ આપવી ભારે પડી હતી. લાઠી ભવાની સર્કલ પાસેથી એક મહિલા સહિત પાંચ શખ્સોના ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરું રચી, પુરુષનું અપહરણ કરી, બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૨.૫૦ લાખની ખંડણી માંગી હતી. આ ટોળકીએ પુરુષ પાસેથી ઓનલાઇન રૂ. ૫૮,૦૦૦ બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. દડવા ગામના વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી )ઉ.વ.૪૩) પોતાના મોટરસાયકલ પર દામનગર ખાતે રહેતી તેમની દીકરીની તબીયત પૂછવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ લાઠી ભવાની સર્કલ પાસે પહોંચતા જ ત્યાં ઉભેલી એક મહિલા આરોપીએ હાથ ઊંચો કરી બાઈક ઊભું રખાવ્યું હતું અને ભુરખીયા સુધીની લિફ્ટ માંગી હતી. તેમણે દયાવશ થઈને મહિલાને બાઈક પર પાછળ બેસાડી ભુરખીયા તરફ રવાના થયા હતા. ભુરખીયા ગામના ગેટ પાસે પહોંચતા જ મહિલાએ સરોવર પાસે ફોટા પાડવાનું બહાનુ ધરીને બાઈક ઊભું રખાવ્યું હતું. બાઈક ઊભું રહેતાની સાથે જ પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ, અન્ય ચાર આરોપીઓ કાર લઈને ધસી આવ્યા હતા. કારને બાઈક આડી ઊભી રાખી રસ્તો રોકી લીધો હતો અને ચારેય શખ્સો નીચે ઉતર્યા હતા. આરોપીઓએ તેમને ધમકાવતા કહ્યું કે, તેં આ બેનને મોટરસાયકલ પર કેમ બેસાડી છે? તેમ કહી તેમનો હાથ પકડી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું. કારની અંદર બે આરોપીઓએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધમકી આપી હતી કે, તને બળાત્કારના કેસમાં ફસાવી આખી જિંદગી જેલમાં સડાવી દઈશું અને સમાજમાં બદનામ કરી જાનથી મારી નાખીશું.બદનામી અને મોતના ડરના કારણે તેઓ ગભરાઈ ગયા હતા. આરોપીઓએ મામલો થાળે પાડવા રૂ. ૨.૫૦ લાખની ખંડણી માંગી હતી. જોકે, આધેડ પાસે એટલી રકમ ન હોવાથી અંતે આરોપીઓએ ફરિયાદીના મોબાઈલમાંથી ગુગલ પે એપ્લિકેશન ખોલાવી રૂ. ૫૮૦૦૦ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસે કારના નંબરના આધારે મહિલા સહિત પાંચેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પી આઈ એમ બી ઔસુરા વધુ તપાસ કરી રહ્યા છે.








































