અમરેલીમાં ‘શ્રીજી વિદ્યાર્થી ભુવન’ ખાતે ચાલુ શૈક્ષણિક સત્રની સર્વપ્રથમ વાલી મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ વાલીઓને સંબોધિત કર્યા હતા. તેમણે બાળકોના સર્વાંગી જીવન વિકાસમાં છાત્રાલય (હોસ્ટેલ) જીવનના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. વાલીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા વિદ્યાર્થીઓ માટે ‘ઘરથી દૂર એક ઘર’ સમાન છે. અહીં બાળકોના રહેણાંક, કપડાની સફાઈ અને પૌષ્ટિક ભોજનની સુટેવો કેળવાય તે માટે સંસ્થાનો સ્ટાફ સતત જાગૃત રહીને કામ કરે છે. ‘વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સંસ્થામાં દરેક વિદ્યાર્થી સાથે આત્મીય વ્યવહાર રાખવામાં આવે છે, જેથી બાળકોમાં પરસ્પર કુટુંબ ભાવના અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન થઈ શકે.આ શૈક્ષણિક ગોષ્ઠિ દરમિયાન સંસ્થાના શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ વાલીઓ સમક્ષ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે તે માટેના આગવા આયોજન અંગે પણ વાલીઓ સાથે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.





































