અમરેલીમાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને એક યુવકને ધારી ખોડીયાર ખાતે બોલાવી, ધાકધમકી આપી રૂ. ૧ લાખ પડાવી લેવાની ઘટના સામે આવી હતી. આ મામલે ભોગ બનનાર ફરિયાદકર્તાએ ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નીલેશભાઇ વિઠ્ઠલભાઇ માળવી (ઉ.વ.૩૩)એ ધવલભાઇ મોદી, આરતી મોદી, રાહુલભાઇ તથા એક મહિલા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ કેસના તમામ આરોપીઓએ ભેગા મળીને એક કાવતરું ઘડ્‌યું હતું. જે અંતર્ગત આરોપી મોટરસાયકલ લઈને અમરેલી સંકુલ પાસે પહોંચ્યો હતો. તેણે તેમને જણાવ્યું હતું કે તેની એક માનતા હોવાથી તેણે ધારી ખોડીયાર જવાનું છે. ધારી ખોડીયાર પહોંચતા જ ત્યાં અગાઉથી અન્ય આરોપી હાજર હતા. તેમણે ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી પત્ની મળી ગઈ છે, તમે તાત્કાલિક અહીં આવી જાવ. આ સાંભળતા જ ધવલ મોદી પણ ગણતરીની મિનિટોમાં ત્યાં દોડી આવ્યો હતો. ત્યાં પહોંચતાની સાથે જ ધવલ મોદીએ તેને લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન પોતાની સંડોવણી છુપાવવા માટે મહિલાએ જૂઠું બોલતા કહ્યું કે, તેને બળજબરીપૂર્વક ધારી ખોડીયાર ખાતે લાવવામાં આવી છે. ચારેય આરોપીઓએ ભેગા મળીને તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલેથી ન અટકતા અચાનક છરી કાઢીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો. મામલો થાળે પાડવા માટે આરોપીઓએ તેમની પાસે રૂ. ૩ લાખની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું કહેતા આખરે રૂ. ૧ લાખમાં સોદો નક્કી થયો હતો. આરોપીઓએ ડરાવી-ધમકાવીને તેમની પાસેથી બળજબરીપૂર્વક રૂ. ૧ લાખ કઢાવ્યા હતા અને ફરાર થઈ ગયા હતા.