અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયાસોને વધુ વેગ આપવા ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ સમિતિ તથા ચલાલાના વેપારી આગેવાનો સહિતના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. આ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાને પણ માંગણીપત્ર પાઠવીને આ મહત્વપૂર્ણ પ્રશ્નના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હિરપરા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયાએ પણ આ વિસ્તારના લોકોની લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે લાઇનની સુવિધા ઉપલબ્ધ થાય તો ધારી, ચલાલા, વિસાવદર સહિતના વિસ્તારોના લાખો લોકોને સીધો લાભ મળી શકે છે. વેપાર, ઉદ્યોગ, કૃષિ ઉત્પાદનના પરિવહન તેમજ મુસાફરીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે તેવી માન્યતા સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. આ જ કારણસર મિશન બ્રોડગેજ નામે બિનરાજકીય અભિયાન છેલ્લા ત્રણ મહિનાથી સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યું છે.પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકો માટે બ્રોડગેજ સુવિધા માત્ર પરિવહનની જરૂરિયાત નથી પરંતુ વિકાસ સાથે જોડાયેલો મહત્વનો પ્રશ્ન છે. અનેક વર્ષોથી આ માંગણી કરવામાં આવી રહી છે અને હવે તેને હકીકતમાં ફેરવવા માટે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત છે.રજૂઆત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિનિધિમંડળની વાત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આગામી સમયમાં અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પણ જરૂરી પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હતી. મુખ્યમંત્રીના આ પ્રતિસાદથી પ્રતિનિધિમંડળમાં આશાવાદનું વાતાવરણ જોવા મળ્યું હતું. ધારી, ચલાલા અને વિસાવદર વિસ્તારના લોકો હવે સરકારના પ્રયાસોથી બ્રોડગેજ સુવિધાનું સ્વપ્ન સાકાર થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.








































