બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી એન.આઈ.ડી. (NID) પોલિયો રાઉન્ડ અંતર્ગત રવિવારે રાજુલા તાલુકામાં મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. રાજુલા-જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે સમઢિયાળા-૧ ગામેથી બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને આ રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અભિયાનના પ્રથમ દિવસે તાલુકાના અંદાજે ૧૬૪૬૦ જેટલા બાળકોને પોલિયોની રસીથી રક્ષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને સુદ્રઢ સ્વાસ્થ્ય પ્રદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ આરોગ્યલક્ષી અભિયાનનો લાભ તાલુકાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તાલુકા આરોગ્ય અધિકારી ડા.નિલેશ કલસરીયાએ જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ બૂથ, મોબાઈલ ટીમ અને ટ્રાન્ઝિટ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.











































