અમરેલી શહેરમાં લાઠી રોડ બાયપાસથી કુંકાવાવ જગાતનાકા ચોકડી સુધી માર્ગની બાજુમાં થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માર્ગ પર અવરજવર અને જાહેર સુવિધાઓમાં અવરોધ ઉભો કરતા દબાણકારોને નોટિસ પાઠવી દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે રવિવાર સુધીમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો સોમવારે સ્થળ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માર્ગ વિસ્તરણ અને વાહન વ્યવહારને સુગમ બનાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
તંત્રની સૂચના બાદ દબાણકારોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક લોકો દ્વારા પણ જાહેર માર્ગો ખુલ્લા રાખવા અને નિયમોનું પાલન થાય તેવી માંગ ઉઠી રહી છે.
પાંચ દિવસમાં ટાવર નીચેની દુકાનો ખાલી કરવા પાલિકાની સૂચના અમરેલી શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ક્લોક ટાવરના નવીનીકરણ અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ટાવર પર લગાવવામાં આવેલી તમામ વાયર અને લાઇટ તાત્કાલિક દૂર કરવા જણાવાયું છે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ક્લોક ટાવરની નીચે આવેલી તમામ દુકાનોને આગામી પાંચ દિવસમાં ખાલી કરવાનો આદેશ અપાયો છે. નગરપાલિકાએ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.








































