પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક અલ્ટો કાર પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્રો કોઈ અંગત કામસર અલ્ટો કારમાં ગોધરા આવ્યા હતા. કામ પૂર્ણ કરીને તેઓ ગોધરાથી શહેરા તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરા-શહેરા માર્ગ પર આવેલા જૂના મોર ડુંગરા નજીક અકસ્માત બન્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે કાર અનિયંત્રિત બની રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોની ઓળખ કિરણ દિનેશ પટેલ અને મહેશ ખાંટ તરીકે થઈ છે. બંને સાળા-બનેવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હિતેન્દ્ર પટેલ અને અન્ય એક મહેશ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.








































