ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા માર્ચ ૨૦૨૫માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી ઊઇ-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ ૫માંથી ૪.૭ સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
રાજ્ય સંચાલિત બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. મુસાફરો મુસાફરી દરમિયાન કયુઆર કોડ સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે. કોઇ સેવામાં ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે છે.
શરૂઆતમાં આ ડિજિટલ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ તેમાં સારો પ્રતિસાદ મળતા હવે જીએસઆરટીસીએ તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે. હાલમાં રાજ્યના ૧૨૫ બસ સ્ટેશન, ડેપો કંટ્રોલ પોઈન્ટ્‌સ તેમજ ૮,૦૦૦થી વધુ બસોમાં ઊઇ કોડ લગાવવામાં આવ્યા છે.
આ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલા પ્રતિસાદ અનુસાર મુસાફરોએ જીએસઆરટીસીની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ વ્યક્ત કર્યો છે. પાંચ સ્ટારના માપદંડ પર આપવામાં આવેલા રેટિંગ્સ દર્શાવે છે કે મુસાફરો સેવાના વિવિધ પાસાઓથી ખુશ છે અને નિગમ દ્વારા મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
જીએસઆરટીસીના ૧ માર્ચથી ૧૯ જૂન, ૨૦૨૬ સુધીના પેસેન્જસ ફિડબેક રિપોર્ટ મુજબ નિગમે ૫માંથી ૪.૭ સ્ટારનું મજબૂત મુસાફર સંતોષ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. આ અહેવાલ ૩,૧૩,૮૨૪ મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર આધારિત છે, જે વિવિધ કામગીરીના માપદંડો પર નિગમની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ દર્શાવે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,જીએસઆરટીસી માત્ર ફીડબેક એકત્રિત કરતી નથી, પરંતુ તેના આધારે સક્રિય રીતે કાર્યવાહી પણ કરે છે. મુસાફરો દ્વારા મોકલવામાં આવતી તમામ ફરિયાદો, સૂચનો અને મુદ્દાઓને તાત્કાલિક સંબંધિત વિભાગો તથા સ્થાનિક બસ ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિલંબ વિના ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં સ્થળ પર જ લેવામાં આવે છે. મુસાફરોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો અમારો સંકલ્પ છે.”
જીએસઆરટીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાની સતત પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, વિશ્વસનીય તથા મુસાફરમૈત્રી પરિવહન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.