ધોરાજીના કુંભારવાડામાં આવેલું શહેરનું એકમાત્ર કૈલાશ ધામ સ્મશાન ગૃહ હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ભારે વિવાદમાં સપડાયું છે. સ્મશાનના નવીનીકરણમાં હલકું અને ગુણવતા વગરનું કામ થયું છે. સ્થાનિક પ્રબુધ્ધ નાગરિકો અને અને ધારાશાસ્ત્રીઓએ જ્યારે આ સ્મશાન ગૃહની રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ત્યાં ચાલી રહેલી કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આ કામ માટે અંદાજે રૂ.૮૧ લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. આ રકમમાંથી બેલાની દીવાલો, થાંભલા અને અન્ય સ્ટ્રક્ચરનું કામ કરવાનું હતું. પરંતુ નગરપાલિકા તંત્રની રહેમનજર હેઠળ કોન્ટ્રાક્ટરે નબળું કામ કરીને સરકારી નાણાંનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરાયા હતા. આ ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપના વરિષ્ઠ અગ્રણી મીડિયા સમક્ષ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. ધોરાજી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી, પૂર્વ નગરસેવક, વિપક્ષી નેતા અને વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા આ અગ્રણીએ જણાવ્યું કે, સ્મશાન ગૃહની નબળી કામગીરી બાબતે નગરપાલિકાના ભાજપના જ સદસ્યોએ ચીફ ઓફિસર અને પ્રમુખને ધારદાર રજૂઆતો કરી હતી, તેમજ ઉચ્ચ સ્તરે પણ ફરિયાદો મોકલાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટરે શાસક પક્ષના સદસ્યો કે આગેવાનોને દાદ દીધી નહોતી અને પોતાની મનમાની ચાલુ રાખી ભ્રષ્ટાચારનો ખુલ્લો દોર ચાલુ રાખ્યો હતો.







































