બગસરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી ટેલિકોમ કંપની BSNLન્ની મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ વારંવાર ખોરવાઈ રહી હોવાથી ગ્રાહકો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. નેટવર્ક બંધ રહેતાં કોલિંગ અને ઇન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે ઓનલાઈન બેંકિંગ,UPI ટ્રાન્ઝેક્શન, સરકારી કામગીરી તેમજ વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી છે. વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન અભ્યાસ અને વિવિધ ફોર્મ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક રજૂઆતો છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. BSNL દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બગસરામાં નેટવર્કની સ્થિતિ ચિંતાજનક બની છે. ગ્રાહકોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવી સેવાઓ નિયમિત કરવાની માંગ કરી છે, અન્યથા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.