રાજ્ય સરકારના “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬” અંતર્ગત બાબરા તાલુકાની નવાણિયા, ઊંટવડ અને સુકવળા પ્રાથમિક શાળાઓ ખાતે ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. નવા પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાંઓનું તિલક કરી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ બુટાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગ્રામજનો, માતાઓ-બહેનો, શિક્ષકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મજબૂત પાયો છે. સરકાર દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમ દરમિયાન વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી હતી. શિક્ષણની નવી શરૂઆત સાથે બાળકોના ચહેરા પર આત્મવિશ્વાસ અને ખુશી સ્પષ્ટપણે ઝળકી ઊઠી હતી.