કેન્દ્રીય મંત્રી ડા. મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસોથી પોરબંદરમાં આગામી ૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ બે દિવસીય ‘વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ યોજાશે. આ સમિટમાં પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ અને રોકાણની તકો અંગે
વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી માંડવિયા અને ગુજરાતના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હિતધારકો સાથે ખાસ સંવાદ યોજાશે. આ સમિટમાં દેશભરમાંથી ફર્નિચર ઉદ્યોગના ૫૦થી વધુ પ્રતિનિધિઓ તેમજ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રતિનિધિ અને આઈકિયા તથા હેટીચ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના અગ્રણીઓ ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાત સરકારના ઉદ્યોગ અને બંદર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જરૂરી રૂપરેખા પ્રસ્તુત કરશે. પ્રતિનિધિઓ ૧૪ જૂનના રોજ ભારવાડા ખાતે સૂચિત સ્થળની મુલાકાત લઈને પ્રોજેક્ટની વ્યવહારિકતા ચકાસશે.










































