(૧)દો ઔર દો પાંચ કૈસે હોતે હૈ? – જીગર યાદવ ગુરુ (દાત્રાણા-પાટણ)
નેપોલિયનને ખબર. કારણ કે એ કહેતો હતો કે મારા શબ્દકોષમાં અશક્ય શબ્દ જ નથી.
(૨)કોઈ સેલ્સમેન કે સેલ્સવુમન સાચા ક્યારે સાબિત થઈ શકે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
એ ખરેખર સાચા હોય ત્યારે.
(૩)દવા લેવા દવાખાને જવું પડે છે તો હવા લેવાં ક્યાં જવું જોઈએ?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ,પંચમહાલ)
હવાખાને.
(૪) સાહેબ..! મંજીરા અને તબલાં ધુનમાં જ વગાડાય? – ધોરાજીયા ઘનશ્યામ એન.(સાજણટીંબા)
ના, એવું ન હોય. વરરાજો હા પાડે તો જાનમાં પણ વગાડાય.
(૫)નવરા લોકો માટે તમે કોઈ વેકેશન બેચ ચાલુ કરી છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
નવરા લોકો આ કોલમ વાંચતા કે પ્રશ્ન પૂછતા જ નથી.
(૬) પેટ્રોલ અને ડીઝલના બચાવ માટે તમારો અભિપ્રાય જણાવશો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
કારમાં પાંચ વ્યક્તિઓ નીકળો અને કારને વારાફરતી ધક્કા મારવાનું રાખો.
(૭)બે કવિઓ સામસામે મળે તો શું કરે?
પ્રકાશભાઈ જોશી (અમરેલી)
દુનિયા આખીના પ્રાસ ભેગા કરી ને એકબીજા પર છુટ્ટા પ્રહારો કરે!
(૮)નાનું બાળક આખા દિવસમાં ૪-૫ વાર કેમ સૂતું હશૅ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
એવું નથી. હકીકતમાં નાનું બાળક આખા દિવસના ૪-૫ વાર જાગે છે!
(૯)અડધી રાતે કામ પડે તો ફોન કરજે- એવું કહે અને ફોનનો રીપ્લાય છેક સવારે આપે; એવા માણસને શું કહેવું? – કનુભાઈ પરમાર (દામનગર)
એણે અર્ધી રાતે ફોન કરવાનું કહ્યું છે, જવાબ આપીશ એવું ક્યાં કહ્યું છે?!
(૧૦)કોઈ પણ પ્રાણીને નથી કહેવું પડતું પણ માણસને કેમ કહેવું પડે છે કે તું માણસ થા?
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
એવું પણ બનવાજોગ છે કે એવા માણસો આવતા જન્મની પ્રેક્ટિસ કરતા હોય!
(૧૧)મને બેઠા બેઠા ઊંઘ આવી જાય છે તો શું કરવું? – દર્શન પટેલ (વડોદરા)
તમારે સૂતા સૂતા જાગવું.
(૧૨)હાસ્યલેખક બનવા ડિગ્રી લેવી પડે કે ટ્રેનિંગ? – રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
આ બધું લેવા બેસશો તો હસવું અને લખવું બન્ને ભૂલી જશો.
(૧૩)મેરેજ સર્ટિ. કઢાવવા શું કરવું પડે? – રામભાઈ પટેલ (સુરત)
મેરેજ.
(૧૪) મંજીરા ટીનટીન વાગે, તબલા ધીનધીન વાગે તો ખંજરીમાં કેવો અવાજ આવે? – રમાબેન પટેલ (અમદાવાદ)
તળેલો પાપડ ખાતા હોઈએ એવો.
(૧૫)આપણે બધા ગાડીને બદલે ગાડું વાપરીએ તો ચાલેને ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
પેટ્રોલ કરતા બળદો મોંઘા પડશે હો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..