અમરેલી જીલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડ્યો છે. તેના લીધે સ્થાનિક જળાશયો અને ગામડાના તળાવોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ છે. કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગાવડકા, ખીજડિયા, રંગપુર, વડેરા અને નાના ભંડારિયા ખાતે ઉમંગભેર નવા પાણીને વધાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સરકારના જળસંચય અભિયાનને કુદરતનો પૂરો સાથ મળતા આખા વિસ્તારના ગામના લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના પાણીના સ્ત્રોતને ફરી જીવતા કરવા માટે ઉનાળાની ઋતુમાં મોટું આયોજન કરવામાં આવ્યું હતું.જે અમરેલી, વડિયા અને કુંકાવાવ તાલુકાના આશરે ૧૧૫ જેટલા ગામડામાં પાણી સંગ્રહના કામો ખુબ જ ઝડપથી પુરા કરવામાં આવ્યા હતા. જીલ્લામાં પાણી સંગ્રહ કરવાની તાકાત વધારવા માટે મોટા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં ઉનાળામાં ૧૩૦ જેટલા મોટા મશીનો મુકીને દરેક ગામમાં સરેરાશ ૬૦૦ કલાક સુધી તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી.




































