અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીની હાજરી બાબતે મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું નામ શાળામાં ચાલતુ હોય અને હાજરી પણ શાળામાં પુરાતી હોય છે પરંતુ આ વિદ્યાર્થીઓ શાળામાં ભણવાને બદલે જસદણની આલ્ફા સંકુલમાં ટ્યુશન ક્લાસીસ કરતા હોવાનુ સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજય સરકાર એક બાજુ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ યોજે છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી શકે તે માટે પ્રોત્સાહન આપે છે પરંતુ રાજય સરકારના જ શિક્ષકો દ્વારા બાળકનું નામ શાળામાં રાખી હાજરી પુરવામાં આવતી હોવાની માહિતી મળી છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સન રપ-ર૬માં ૩૪ વિદ્યાર્થીઓ અને સન ર૦ર૬-ર૭માં પ૪ વિદ્યાર્થીઓ જસદણ આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતા હોવાનો ખુલાસો થયો છે. જા કે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આખુ આ કૌભાંડ છેલ્લાં પાંચ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે. આખુ કૌભાંડ શિક્ષકોની મીલીભગતને કારણે થયુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આખુ કૌભાંડ બહાર આવતા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકાશિક્ષણાધિકારીને તપાસના આદેશ સોંપ્યા છે. આ કૌભાંડથી શિક્ષણ જગતની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

 

 

જસદણની આલ્ફા સંકુલમાં નવોદય,સૈનિક સ્કૂલ અને સીઈપીના ટ્યૂશન ચાલુ
અમરેલી જિલ્લાના બાળકો શાળામાં અભ્યાસ કરતા હોય તેની સાથે જસદણની આલ્ફા સંકુલમાં નવોદય, સૈનિક સ્કૂલ અને સીઈપીના ટ્યૂશન ચાલુ કરી ભણતા હોય છે. જા કે શાળાં વિદ્યાર્થીઓ હાજર ન હોવાછતાં તેમની હાજરી પુરાતી હોવાનુ સામે આવ્યુ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દર વર્ષે ૧૦૦૦ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ કરતા હોય છે ત્યારે આવેલા આ આંકડા મામુલી છે. એક વિદ્યાર્થીની ફી રૂ.૯૦,૦૦૦થી રૂ.૧ લાખ સુધીની લેવામાં આવે છે.

 

 

તપાસના અંતે જવાબદાર શિક્ષકો-આચાર્ય સામે પગલા લેવાશે : પ્રા.શિક્ષણાધિકારી
જસદણની આલ્ફા સંકુલમાં ટ્યુશન ક્લાસીસ અને અમરેલી જિલ્લાના તાલુકાઓની શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પુરાતી હોવાની ઘટના સામે આવતા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે. તપાસના અંતે જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પ્રાથમિક શિક્ષણાધિકારીએ અંતમાં જણાવ્યું હતુ.

 

ક્યા વર્ષે કેટલા વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં

તાલુકો   સન-ર૦રપ-ર૬ સન-ર૦ર૬-ર૭
અમરેલી   ૦૩                ૦૬
લાઠી      ૦૫                ૦૪
બાબરા    ૦૬                 ૦૫
બગસરા   ૦૧                ૦૨
કુંકાવાવ   ૦૩               ૦૭
ધારી      ૦૩                 ૦૯
ખાંભા     ૦૫              ૦૭
રાજુલા   ૦૩               ૦૫
જાફરાબાદ ૦૩            ૦૩
સા.કુંડલા  ૦૩            ૦૫
લીલીયા   ૦૦           ૦૧