મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામની અને હાલ વિવિધ શહેરો તથા ગામોમાં સાસરે વસેલી દીકરીઓનું એક ભવ્ય અને લાગણીસભર “સ્નેહમિલન” સુરત મધ્યે યોજાઈ ગયું. વર્ષો પછી પિયરની બહેનપણીઓ અને ગામની દીકરીઓ એકબીજાને મળતા બાળપણની મધુર યાદોમાં ખોવાઈ ગઈ હતી. આ પ્રસંગે દીકરીઓએ પિયર પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સાસરિયે ગમે તેટલો વૈભવ હોય, પણ દીકરીનું દિલ પિયરના ચોકમાં જ હસે છે. તેમણે પ્રાથમિક શાળાના સોનેરી દિવસો, બાળપણની રમતો અને તોફાનો વાગોળીને આનંદ વ્યક્ત કર્યો હતો. સુરત ખાતે આવેલી તમામ દીકરીઓનું કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. પીઠવડીના યુવા સરપંચ ભૌતિક સુહાગીયાએ આ અનોખી પહેલ કરનારી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સ્નેહમિલન યોજાતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.