ગોંડલ તાલુકાના ગુંદાળા-પાટીદળ રોડ પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પાટીદળ ગામના ૭૦ વર્ષીય વૃદ્ધ ગોપાલભાઈ ઉકાભાઈ વેકરિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગોપાલભાઈ પોતાના જુપીટર પર ગોંડલથી કેરીની ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગુંદાળા ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વળાંક પર તેમણે વાહન પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ અકસ્માતમાં તેમનું વાહન અંદાજે ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ખાડામાં પથ્થરો સાથે માથું ભટકાતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા વૃદ્ધના આકસ્મિક નિધનથી તેમના બે પુત્રો અને પત્ની સહિતના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.








































