શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઇને ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે “ઓપરેશન શુદ્ધી” અંતર્ગત મોટી કાર્યવાહી કરીને સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૨,૦૨૯ કિલોગ્રામથી વધુ ભેળસેળયુક્ત ઘી સાથે કુલ રૂ. ૩૬ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રેઇડ – શહેરમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઇને એસ.ઓ.જી.ને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન વિસ્તારમાં આવેલી ફેક્ટરી પર રેઇડ કરવામાં આવી છે. પોલીસે આ રેઇડ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરતભાઈ ગોગનભાઈ પોલરા (ઉ.વ. ૪૮), રહેવાસી કામરેજ અને અમીન બાબુભાઈ વાઢવણિયા (ઉ.વ. ૪૫), રહેવાસી ઉમરા, સુરતને ઝડપી પાડ્યા છે.
સસ્તા ભાવે વેચાણનો ખુલાસો – પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ આ ડુપ્લીકેટ ઘી સ્લમ વિસ્તારોની કિરાણા દુકાનો, હાઇવે પરની હોટેલ-ઢાબાઓ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતાં સસ્તા ભાવે વેચતા હતા. આ રીતે તેઓ સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં કરી રહ્યા હતા.
પોલીસે બે સ્થળોએ કાર્યવાહી કરી છે. એક તો સચિન માં આવેલી ફેક્ટરી અને તલંગપોર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે ૨,૦૨૯ કિલોગ્રામ ડુપ્લીકેટ ઘી (કિંમત રૂ. ૧૪.૧૯ લાખ) અને ઘી બનાવવા માટેના મશીનો અને કાચો માલ (રૂ. ૨૧.૬૧ લાખ) મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુલ મળીને રૂ. ૩૬.૩૬ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર મોટો પ્રહાર થયો છે. જા આ ડુપ્લીકેટ ઘી બજારમાં પહોંચ્યું હોત તો અનેક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકી હોત. પોલીસની સમયસર કાર્યવાહીથી આ ખતરો ટળી ગયો છે.
આ મામલે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર મોટો પ્રહાર થયો છે. જા આ ડુપ્લીકેટ ઘી બજારમાં પહોંચ્યું હોત તો અનેક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકી હોત. પોલીસની સમયસર કાર્યવાહીથી આ ખતરો ટળી ગયો છે.







































