બગસરામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્નો મામલે સરકાર સામે વિરોધ વ્યક્ત કરી સીડીપીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધના ભાગરૂપે બહેનો બે દિવસ માટે માસ સીએલ પર ઉતરી હતી અને ધરણા યોજીને ‘હમારી માંગે પૂરી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
આંગણવાડી તેમજ આશા વર્કર ફેસિલિટેટર દ્વારા અગાઉ પોતાની માંગણીઓ રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ બેઠક ન યોજાતા આજે ફરીવાર આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ડેટા એન્ટ્રી માટે આપવામાં આવેલા મોબાઈલ ચાલતા નથી જેથી નવા મોબાઈલ આપવા, ફિક્સ પગારમાંથી કાયમી પગાર ધોરણ આપવું, છેલ્લા ત્રણ માસથી બાકી રહેલા બિલ ચૂકવવા તેમજ ફરજ બજાવતી મહિલાઓને ડ્રેસ (યુનિફોર્મ) આપવા જેવી માંગણીઓ કરવામાં આવી છે.
મહિલાઓએ ‘હમ સબ એક હૈ’ના નારા સાથે આવેદન આપી ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ તમામ માંગણીઓનો સુખદ અંત નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે.