રાજકોટમાં થયેલી ૧૨૦ કિલો ચાંદીની ચોરી ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ૪૦ કિલો ચાંદીના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચોરાયેલા મુદ્દામાલ મહેસાણામાં વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી હતી.
હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપીને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રણછોડનગરમાં ચાંદીના વેપારીના મકાનમાંથી ૧૪૦ કિલોગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. અંદાજીત ૧ કરોડ કરતા વધુની રકમની ચાંદીની ચોરી થતા રાજકોટ પોલીસ તંત્ર દોડતું થયું હતું. ધારાસભ્ય સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર રણછોડનગર શેરી નંબર-૧માં રહેણાંક મકાનમાંથી એકાદ કરોડ કિંમતના ૧૦૦ કિલોથી વધુ ચાંદીના ઘરેણાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ,એલસીબી ઝોન વન ટીમ તેમજ ઇન્ચાર્જ સીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના ૨થી ૨.૩૦ વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હતા. આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના ૨થી ૨.૩૦ વાગ્યા આસપાસ ફોર વ્હીલરમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને ૧ કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રાજકોટના ઝોન વન ડીસીપી હેતલ પટેલે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં રાખેલી આશરે ૧૨૦થી ૧૨૫ કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે માહિતી આપતા કહ્યું કે, રાજકોટમાં થયેલી ૧૨૦૦ કિલોથી વધુની ચાંદીની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાતમી મળી હતી કે રાજકોટમાં ચોરાયેલી ચાંદીનો કેટલોક જથ્થો અમદાવાદના એક ઇસમ પાસે છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નરોડાના ૨૪ વર્ષીય પ્રદીપ પ્રજાપતિની ૪૦ કિલો ચાંદી સાથે ધરપકડ કરાઈ છે. ગીતા મંદિર પાસે મોબાઇલની દુકાનમાં કામ કરતા પ્રદીપ પ્રજાપતિની અટકાયત કરી તપાસ શરૂ કરાઈ છે. પ્રદીપની તપાસમાં ચાંદીનો જથ્થો ચોરી કરનાર તેનો મામાનો દીકરો મુકેશ પ્રજાપતિ આપી ગયો હતો. મૂળ રાજસ્થાનના શિરોહીના પણ હાલ વડોદરા રહેતા મુકેશ પ્રજાપતિએ પોતાના અન્ય સાગરીતો સાથે ચોરી કરી હતી. ડ્રાઇવિંગનો ધંધો કરતો મુકેશ પ્રજાપતિ ફરાર છે, જેની તપાસ ચાલુ છે. રાજકોટના શકિત સિલ્વર પેઢી અંગેની ટીપ તેને મળી હતી. ચોરીની બાકીની ૮૦ કિલો ચાંદીનો જથ્થો હાલ કયા છે અને અમદાવાદમાં કોને વેચવાનો હતો એની તપાસ ચાલુ છે.








































