રાજકોટ મહાનગરપાલિકા સહિત જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૩૦૦થી વધુ ઉમેદવારો ૧૬.૬૬ ટકા મત મેળવવામાં નિષ્ફળ જતાં તેઓની ડીપોઝીટ ડુલ થવા પામી છે.
જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના ૪૬ અને આપના ૬૨ ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૧૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ મૂરતીયાઓની ડીપોઝીટ ડૂલ થવા પામેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે ઇલેક્શન કમિશનના નિયમ મુજબ ઉમેદવાર કુલ મતના ૧૬.૬૬ ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય તો તેઓની ડીપોઝીટ ડૂલ થાય છે. રાજકોટ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૩૦૦થી વધુ ઉમેદવારોની ડીપોઝીટ ગુલ થયેલી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ૨૩૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ કસોકસનો ખેલાયો હતો. આ ચૂંટણીમાં ૫૧.૫૯ ટકા જેટલા મતદાન થવા પામેલ હતું. જેમાં મત ગણતરી દરમિયાન આ ૨૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૭૨ ઉમેદવારોને બાદ કરતાં કોંગ્રેસનો ૪૬ અને આપના ૬૨ ઉમેદવારો કુલ મતના ૧૬.૪૬ ટકા મત મેળવવામાં નિષ્ફળ જતા આ તમામ ૧૦૮ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત કરવામાં આવી છે. જેમાં અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ૧૮ અને આપના ૧૫ મૂરતીયાઓની ડીપોઝીટ ગુલ થવા પામેલી છે. જિલ્લાની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ૩૦૦થી વધુ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થવા પામી છે. ગઇકાલે સાંજે જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ બેઠકોનું પરિણામ જાહેર થતાં મોડી રાત્રીના કલેક્ટર તંત્ર દ્વારા ખાસ અધિકારીને ગાંધીનગર દોડાવી શહેર જિલ્લાની તમામ બેઠકોના પરિણામો રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપવામાં આવેલ હતાં.
જેમાં વિજેતા ઉમેદવારોના નામો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવેલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતાંની સાથે જ ચૂંટણી આયોગ દ્વારા આચાર સંહિતા પણ ઉઠાવી લેવામાં આવી છે. જેના પગલે હવે શહેર જિલ્લામાં વિકાસની ગાડી બમ્બ બમ્બાટ દોડશે.