જિલ્લાના નવા ખીજડીયા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઘરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે એક મહિલા સાથે ઝઘડો કરી, તેને શારીરિક ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. મોનીકાબેન હરેશભાઇ ગોવિંદભાઇ કણબી (ઉ.વ.૨૪)એ જયસુખભાઇ ઉર્ફે કાળુભાઇ પાલાભાઇ કણબી, કાંતીભાઇ વાઘજીભાઇ કણબી, પીંન્ટુભાઇ હરીભાઇ કણબી તથા રવિભાઇ ગોરધનભાઇ કણબી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ઘરનું પાણી શેરીમાં નીકળતું હતું. આ બાબતને મુદ્દો બનાવી ગામના જ જયસુખભાઈ કણબીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ શરૂ કરી હતી. આરોપીએ ઉશ્કેરાઈ જઈ મહિલાની સાડીનો છેડો ખેંચી તેને જમીન પર પછાડી દીધી હતી. એટલું જ નહીં, મહિલાને પેટના ભાગે ઢીકાપાટુનો મુંઢમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઝઘડા દરમિયાન અન્ય ત્રણ શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અન્ય આરોપીઓએ મહિલાને બેફામ ગાળો આપી હતી અને ‘જાનથી મારી નાખવી છે’ તેવી ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ ચારેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી ગુનો આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ જયસુખભાઇ ઉર્ફે કાળુભાઇ પાલાભાઇ કણબી (ઉ.વ.૪૦) એ ગોવિંદભાઇ જીવાભાઇ કણબી, રાજુભાઇ ગોવિંદભાઇ કણબી તથા પરેશભાઇ હરીભાઈ કણબી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીના ઘરનું પાણી શેરીમાં આવતું હોવાથી તેમને કહેલ કે તમારા ઘરનું પાણી શેરીમાં આવે છે તેની વ્યવસ્થા કરો. તેમ કહેતા આરોપીને સારૂં નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. તેમજ બોલાચાલી કરી હાથે પગેથી મુંઢમાર મારી નીચે પછાડી દીધા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.








































