ઉના તાલુકાના દરિયાકાંઠાના અને ૨૫ હજારથી વધુ વસ્તી ધરાવતા નવાબંદર ગામમાં છેલ્લા ૧૧ દિવસથી પાણીનો પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આ ગામમાં પાણી ન મળતા લોકો વલખાં મારી રહ્યા છે. ગામને રાવલ ડેમમાંથી પાણી પૂરું પાડવા માટે ઉનાથી નવાબંદર સુધી કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. જોકે, અધિકારીઓ લાઈનમાં ફોલ્ટ હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ ૧૧ દિવસ વીતવા છતાં હજુ સુધી ફોલ્ટ જડ્‌યો નથી. ગામમાં બે સમ્પ હોવા છતાં એક પણ સમ્પમાં પાણી પહોંચતું નથી. દરિયાકિનારાનું ગામ હોવાથી કૂવા અને બોરના પાણી ખારા છે જે વપરાશલાયક નથી. પાણીની અછતને કારણે લોકોને વેચાતું મોંઘું પાણી લેવું પડે છે. એક રિક્ષા પાણી મંગાવવાનો ખર્ચ ૫૦૦ રૂપિયા થઈ ગયો છે, જ્યારે પીવાના પાણીના કેરબાનો ભાવ ૨૦ રૂપિયાથી વધીને ૨૫ રૂપિયા થયો છે. માછીમારોને પણ બોટમાં લઈ જવા માટે પાણી મળતું નથી.