સાવરકુંડલા નગરપાલિકાના શ્રમ યોગી સંગઠન હેઠળના તમામ વિભાગના રોજમદાર કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓની આ હડતાળને કારણે શહેરમાં પાણી વિતરણ અને ગટર સફાઈ જેવી પાયાની સેવાઓ ખોરવાઈ જતા જનજીવન પર વ્યાપક અસર પડી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારી સંગઠન દ્વારા મુખ્યત્વે પગાર વધારા સાથે સરકારના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન, બીજા અને ચોથા શનિવારે રજા, હાઈકોર્ટના પરિપત્રોનું તાકીદે અમલીકરણ તથા નિર્મળભાઈ ખુમાણ, યુવરાજભાઈ વિછીયા, જયરાજભાઈ ખુમાણ, નકુલભાઈ વિઠલાણી, ચંદુભાઈ તેરૈયા અને અન્ય આઠ વ્યક્તિઓના કોર્ટ કેસ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની માંગણીઓ કરવામાં આવી છે. હડતાળની ગંભીરતાને ધ્યાને લઈ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ નગરપાલિકાના પટાંગણમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. પાલિકા સ્તરે જે પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે, તેનો વહેલી તકે હલ લાવવા માટે વાટાઘાટોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જોકે, હડતાળ હોવા છતાં શ્રમ યોગી સંગઠને નિર્ણય લીધો છે કે આગ જેવી દુર્ઘટના સમયે કોઈ જાનહાનિ ન થાય તે માટે ‘ફાયર બ્રિગેડ’ અને અન્ય ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. શહેરીજનો આ ગતિરોધ વહેલી તકે દૂર થાય તેવી આશા રાખી રહ્યા છે.