બગસરા તાલુકાના ગોકળપરાની સીમમાં આવેલી સિયારામ ગૌશાળા પાસે જમીન બાબતે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની વાડીમાં ખાતર પાથરી રહેલા એક ખેડૂત પર ચાર શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે જગદીશભાઇ મનજીભાઇ લુણાગરીયાએ રમેશભાઇ વલ્લભભાઇ બોરડ, દીપભાઇ કિશોરભાઇ બોરડ, રાજુભાઇ બાબુભાઇ બોરડ તથા ચંદુભાઇ બાબુભાઇ બોરડ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ જ્યારે સિયારામ ગૌશાળા પાસે આવેલી પોતાની વાડીમાં ખાતર પાથરવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા.આરોપીઓએ તેમને અટકાવતા કહ્યું કે, ‘આ જમીન અમારી છે, તારે અહીં ખાતર પાથરવાનું નથી.’ જ્યારે ફરિયાદીએ આ જમીન પોતાની માલિકીની હોવાનું જણાવ્યું, ત્યારે ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની પર આડેધડ હુમલો કર્યો હતો. જેમાં તેમને માથાના ભાગે કુહાડીના પાછળના ભાગનો ઘા ઝીંક્યો હતો, ઉપરાંત શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી. ડી. કલસરિયા વધુ તપાસ કરી રહ્યા છે.