અમરેલી આર.ટી.ઓ. કચેરીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી, સરકારી કામકાજમાં વિક્ષેપ પાડી કર્મચારીઓને ધમકાવનારા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ કચેરીની અંદર વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવેશકુમાર સાદુળભાઇ કળસરીયા (ઉ.વ.૩૫)એ નરેશભાઇ વાળા તથા નવાબહુસેન હુસેનમીયા સૈયદ (ગીર ન્યુઝ અમરેલીના રિપોર્ટર) સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, અમરેલી ઇ્ર્ં કચેરીમાં આરોપીઓએ સંગઠિત થઈને અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. કચેરીની અંદર પરવાનગી વગર વીડિયો શૂટિંગ કરી, ફરજ પરના કર્મચારીઓ અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હંગામાને કારણે કચેરીના સરકારી કામકાજમાં વિલંબ થયો હતો અને કર્મચારીઓની ફરજમાં રુકાવટ ઊભી કરવામાં આવી હતી. નરેશભાઈ વાળી દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ વચ્ચે આવશે તો તેમની વિરુધ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત, ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી જનતામાં બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. આટલેથી ન અટકતાં બંને જણાએ વીડિયો વાયરલ પણ કર્યો હતો.









































