સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક યુવકનો પ્રેમસંબંધ તેના મૃત્યુનું કારણ બન્યો છે. સુરતમાં કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો ૨૬ વર્ષીય નિલેશ રમેશભાઈ ચુડાસમા આહીર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધમાં હતો અને તેને લઈને ભાગી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને આયોજનબદ્ધ રીતે નિલેશની હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી કડી સોશિયલ મીડિયાની ભૂમિકા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા ઉર્ફે તરુણ આહીરે કાયદો હાથમાં લઈને નિલેશને અમદાવાદથી શોધી કાઢ્યો હતો અને તેને શારીરિક તેમજ માનસિક યાતના આપી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે યુટ્યુબરે નિલેશ પાસે બળજબરીથી માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો હતો, જેમાં નિલેશ લાચાર અવસ્થામાં હાથ જોડીને માફી માંગી રહ્યો હતો. વીડિયોમાં તરુણ આહીર ખુલ્લેઆમ ધમકી આપતો સંભળાય છે કે સમાજની દીકરીને ભગાડનારને છોડવામાં આવશે નહીં. આટલેથી ન અટકતા, આરોપીઓએ મૃતકના પરિવારજનો પર પણ દબાણ લાવીને અન્ય વીડિયો બનાવડાવ્યા હતા. આ ઘટનાના થોડા જ સમય બાદ બાઢડા ગામની વિરાણી હાઈસ્કૂલ પાછળના વેરાન વિસ્તારમાંથી નિલેશની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકના ભાઈ વિરલભાઈના જણાવ્યા અનુસાર, આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈને જીવલેણ માર માર્યો હતો અને પુરાવા નાશ કરવાના હેતુથી લાશને ફેંકી દીધી હતી. હાલમાં સાવરકુંડલા રૂરલ પોલીસે યુટ્યુબર તરુણ બાંભણીયા, વિજય ઉર્ફે રાકેશ નકુમ અને અમિત હડિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. DYSP વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ પોલીસ આ કેસમાં અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે જેથી મૃત્યુના સચોટ કારણો જાણી શકાય. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અથવા ન્યાયના નામે કાયદો હાથમાં લેવાની વૃત્તિ ગંભીર ગુનાખોરી તરફ દોરી જાય છે. એક યુવાનનો જીવ લેનારી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગણતરીના કલાકોમાં બે આરોપી ઝડપાયા,બેની શોધખોળ ચાલુ
બાઢડા ગામના નિલેષ રમેશભાઇ ચુડાસમા નામના યુવકને એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી, તે તેને સુરતથી ભગાડી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને વિજય ઉર્ફે રાકેશ નકુમ, તરૂણ બાંભણીયા અને અમીત હડીયા નામના શખ્સોએ નિલેષને હથિયારો વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે નિલેષનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારબાદ આરોપીઓ લાશને વિરાણી હાઇસ્કુલ પાછળ ફેંકીને નાસી ગયા હતા. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અમરેલી પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. એલ.સી.બી. ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓ વિજય નકુમ અને અમીત હડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. હજુ પણ આ કેસમાં અન્ય બે આરોપીઓ તરૂણ બાંભણીયા અને બિપીન કલસરીયાની શોધખોળ ચાલુ છે.
યુવકનો માફી માંગતો વીડિયો વાયરલ, યુટ્યુબર સહિત ચાર લોકો સામે ગૂનો નોંધાયો










































