રાજકોટ જિલ્લાનું જેતલસર જંક્શન જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, તે આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહ્યું છે. રેલવે દ્વારા વર્ષોથી અહીં ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે. આ અન્યાય સામે છેલ્લા ૭ દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, પહેલા અહીં હજારોની સંખ્યામાં રેલવે સ્ટાફ હતો, જે ઘટીને હવે નહિવત રહી ગયો છે, જેના કારણે વેપાર-ધંધા પડી ભાંગ્યા છે અને લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે
અહીં છેલ્લા ૭ દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. સૌથી કફોડી હાલત અહીંના રિક્ષાચાલકોની છે. તેમનું કહેવું છે કે ટ્રેનોના સ્ટોપેજ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે અને તેઓ બેરોજગાર થઈ ગયા છે.
અમે સાત દિવસથી અહિયાં છાવણીમાં બેઠા છીએ. ટ્રેનના સ્ટોપ દેવાણા નથી.. જેતલસર જંકશનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ.. રેલવેના ડિપાર્ટમેન્ટ હતા તે અલગ અલગ જગ્યાએ ખસેડી દીધા છે. વાત માત્ર રિક્ષાચાલકોની નથી. પરંતુ સમગ્ર જેતલસર ગામની છે. સ્થાનિકોનો દાવો છે કે એક સમયે અહીં ૨૨૦૦ જેટલા રેલવે કર્મચારીઓ હતા, જે ઘટીને હવે માત્ર ૨૭૫ રહ્યા છે. રેલવેએ ધીરે-ધીરે વિભાગો બીજે ખસેડી લેતા ગામના નાના વેપારીઓ અને વાણંદ જેવા વ્યવસાયકારોની આવક બંધ થઈ ગઈ છે. તેઓ આ માટે ભાવનગર ડિવિઝનના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે.
જેતલસર જંક્શનની અંદર ૨૨૦૦ કર્મચારીઓ હતા અને અત્યારના સમયે ૨૭૫ કર્મચારીઓ છે. જેતલસર જંક્શનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે અમારી સહનશકિત ની હદ પૂરી થઈ ગઈ છે. ભાવનગર ડિવિઝનના અમુક ઓફિસરોની તાનાશાહીને હિસાબે ભોગ લેવાયો છે. આંદોલનના સાતમા દિવસે ગ્રામજનોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જા બે દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનશે અને રેલ રોકો આંદોલન કરવામાં આવશે.
આજે અમારો સાતમો દિવસ છે.જા બે દિવસમાં અમારું રિઝલ્ટ નહીં આવે તો અમે આમરણાંત ઉપવાસ કરશું. અને રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહિયાં રોકશું અને પાટા થંભાવી દેશું. જેલ ભરો આંદોલન કરવું પડે તો પણ અમે કરશું. આજે જેતલસર ગામનું એક પ્રતિનિધિત્વ મંડળ દિલ્હી પહોંચ્યું છે આ દિલ્હી સુધી રજૂઆતો પહોંચી છે ત્યારે રેલવે મંત્રી અશ્વિન ની વૈષ્ણવ આ બાબતે શું નિર્ણય લે છે તે જાવું રહ્યું. જેતલસરના ગ્રામજનોએ હાલ તો એકસૂરે રેલવે તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે. પરિણામ ન મળતા હવે ગ્રામજનો રેલ રોકવા સુધીની તૈયારી બતાવી રહ્યા છે.










































